ભારત
ભારતમાં નવા નિયુક્ત યુનાઇટેડ સ્ટેટ્સ રાજદૂત સર્જિયો ગોર (PTI Photo/Atul Yadav)

તણાવગ્રસ્ત સંબંધોને ફરી સામાન્ય બનાવવાના ઇરાદાનો સંકેત આપતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત ખાતેના નવા રાજદૂત સર્જિયો ગોરે સોમવારે કહ્યું હતું કે કોઈ પણ દેશ ભારત જેટલો મહત્વપૂર્ણ નથી અને બંને દેશો વેપાર કરારને આખરી ઓપ આપવા માટે સક્રિય રીતે જોડાયેલા છે. યુએસ એમ્બેસીમાં દક્ષિણ અને મધ્ય એશિયાના ખાસ દૂત તરીકે કામગીરી કરી રહેલા ગોરે સંકેત આપ્યો હતો કે અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષ સુધીમાં ભારતની મુલાકાત લઈ શકે છે.

દિલ્હીમાં આગમન પછીના પ્રથમ ભાષણમાં સર્જિયો ગોરે મહત્વપૂર્ણ ખનિજો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેના ‘પેક્સ સિલિકા’ તરીકે ઓળખાતા યુએસ-નેતૃત્વવાળા વ્યૂહાત્મક એલાયન્સ માટે નવી દિલ્હીને આમંત્રણની પણ જાહેરાત કરી હતી. ગોરે ભારતમાં રાજદૂત તરીકે કામ શરૂ કર્યાના થોડા કલાકો પછી કરેલી ટિપ્પણીઓને ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત સાથે સંબંધોમાં ફરી સુધારા કરવાના પ્રયાસો માનવામાં આવે છે.

અમેરિકી દૂતાવાસના કર્મચારીને સંબોધતાં ગોરે જણાવ્યું હતું કે તમારી અને મારી પાસે રાજદ્વારી સંબંધોને ફરીથી વ્યાખ્યાયિત કરવાની એક અદભૂત તક છે. તેનાથી આ સદીની સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદારીનું નિર્માણ થઈ શકે છે. ભારત કરતાં વધુ મહત્વપૂર્ણ કોઈ ભાગીદાર નથી. આવનારા મહિનાઓ અને વર્ષોમાં રાજદૂત તરીકે મારું લક્ષ્ય ખૂબ જ મહત્વાકાંક્ષી એજન્ડાને આગળ ધપાવવાનું છે. અમે આ સાચા વ્યૂહાત્મક ભાગીદારો તરીકે કરીશું.

૩૮ વર્ષીય ગોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચેની મિત્રતા “રિયલ” છે અને તેનાથી મતભેદોને ઉકેલવામાં મદદ મળશે. અમેરિકા અને ભારત ફક્ત સહિયારા હિતો દ્વારા જ નહીં, પરંતુ ઉચ્ચતમ સ્તરે સ્થાપિત સંબંધો દ્વારા બંધાયેલા છે. સાચા મિત્રો અસંમત થઈ શકે છે, પરંતુ હંમેશા અંતે તેમના મતભેદોનું નિરાકરણ લાવે છે

અહીં ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા પછી બંને દેશોના સંબંધો કથળ્યાં છે.

વોશિંગ્ટન ભારત સાથે ટૂંક સમયમાં વેપાર સોદો કરવા આતુર નથી તેવા વેપાર પ્રધાન હોવર્ડ લૂટનિકના નિવેદન વચ્ચે ગોરે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર સોદા પર સક્રિય રીતે સંકળાયેલા છે. તમારામાંથી ઘણા લોકોએ વેપાર સોદાની વાટાઘાટો વિશે અપડેટ માંગ્યું છે. બંને પક્ષો સક્રિય રીતે જોડાયેલા રહ્યાં છે. હકીકતમાં વેપાર પર આગામી નિર્ણય કાલે થશે. જોકે ગોરે એ ખુલાસો કર્યો ન હતો કે શું તે બંને પક્ષોના વેપાર વાટાઘાટકારો વચ્ચે ટેલિફોનિક વાતચીત હશે કે બીજા માધ્યમ મારફતની મંત્રણા હશે.

LEAVE A REPLY