અનુભવી પત્રકાર બરખા દત્ત દ્વારા ક્યુરેટ કરાયેલા અને વેદાંતા સાથેની સહભાગીદારીમાં પ્રખ્યાત મહિલાઓની આગેવાની હેઠળના ફેસ્ટિવલ ‘વી ધ વુમન’નું 29 જૂનના રોજ લંડનના રિવરસાઇડ સ્ટુડિયો ખાતે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભારત અને બ્રિટિશ-ભારતીય ડાયસ્પોરાના પરિવર્તનશીલ અવાજો એકસાથે આવ્યા હતા.

અભિનેત્રી રશ્મિકા મંદાન્નાની ખ્યાતિ માટેના વેલ્યુ – ફર્સ્ટ અભિગમ પરની નિખાલસ ચર્ચા હતી. જ્યારે તેમણે કહ્યું કે “મને ધૂમ્રપાન કરવા માટે કહેતા મેં સ્ક્રિપ્ટ માટે ના પાડી દીધી છે. જો મને કોઈ બાબતમાં સારું ન લાગે, તો હું તે નહીં કરું” ત્યારે લોકોએ જોરદાર તાળીઓ પાડી હતી. તેણીના આ મક્કમ વલણે ઉત્સવના મુખ્ય સિદ્ધાંતો પર પડઘો પડ્યો હતો કે લોકપ્રિયતા કરતાં પ્રામાણિકતાને પ્રાથમિકતા આપવામાં આવે.

સિતાર વાદક અનુષ્કા શંકરે તેમના જીવનના સૌથી કરુણ પ્રકરણોમાંના એક વિષે વાત કરતાં કહ્યું હતું કે તેમના મહાન પિતા, પંડિત રવિ શંકર ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટેડ થયા હતા અને તે એવોર્ડ સમારંભના થોડા અઠવાડિયા પહેલા જ તેમનું અવસાન થયું હતું. અનુષ્કા અને તેની બહેન, નોરા જોન્સે તેમના વતી તેમનો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ સ્વીકાર્યો હતો.

ફિલ્મ નિર્માતા કરણ જોહરે સિંગલ ફાધર તરીકે જોડિયા બાળકોને ઉછેરવાના પડકારો અંગે અને લોકો કેવી રીતે ઓનલાઈન ટ્રોલ કરી તેમના વાલીપણા અંગે પ્રશ્ન કરે છે તેમ કહેતા શ્રોતાઓની આંખોમાં આંસુ આવી ગયા હતા.

બોલીવુડ સ્ટાર કરીના કપૂર ખાને તેના અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી જેમાં તાજેતરની ચોરીની ઘટના અને બોલિવૂડ રોયલ્ટી પરિવારનો ભાગ બનવાના દબાણનો સમાવેશ થાય છે.

લેખિકા અને રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિએ તેમના બહુપક્ષીય જીવનની સમજણ સાદગીમાં રહેલી છે તેમ કહી જણાવ્યું હતું કે “હું હજુ પણ વિદેશ પ્રવાસ કરતી વખતે મારા પોતાના વાસણો સાથે રાખું છું.”

વિખ્યાત રાજકારણી શશિ થરૂરે પોતાની લાક્ષણિક વાક્પટુતામાં સાહિત્ય, રાજદ્વારી અને રાજકારણનું મિશ્રણ કરી ભારતના તાજેતરના આતંકવાદ વિરોધી “ઓપરેશન સિંદૂર”નો ઉલ્લેખ કરી આક્રમકતાને બદલે જવાબદારી દ્વારા આતંકવાદ સામે વૈશ્વિક એકતા માટે હાકલ કરી હતી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હીની શેરીઓમાં ₹200માં પરફ્યુમ વેચવાથી લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મેળવવા સુધીની તેમની અસાધારણ સફરનું વર્ણન કર્યું હતું.

સેશન 1માં, પરિવર્તન લાવનારાઓમાં પ્રવ કૌર, સુબોધ ગુપ્તા, ભારતી ખેર અને સૌપર્ણિકા નાયર હતા. ટીએસ અનિલ, આકાશ મહેતા અને રાહી ચઢ્ઢાએ મલ્લિકા કપૂર સાથે એક આગવી વાતચીતમાં ભાગ લીધો હતો. તો સેશન 2માં સિંધુ વી, મીરા સ્યાલ અને પ્રિયા અગ્રવાલ હેબ્બરનો સમાવેશ થતો હતો.

આ કાર્યક્રમમાં વેદાંત રિસોર્સિસ લિમિટેડના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક અને ચેરમેન અનિલ અગ્રવાલને  સન્માનિત કરવામાં આવ્યા હતા.

Image Credits: Barkha Dutt / We The Women / Mojo Story

LEAVE A REPLY