
ઉબર ઇટ્સ, જસ્ટ ઈટ અને ડિલિવરૂ સહિતની ફૂડ ડીલીવરી કરતી કંપનીઓમાં એસાયલમ સીકર્સ, બોટમાં આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ અને બીજી વ્યક્તિના નામે ફૂડ ડીલીવરીનું કામ કરાતું હોવાના અહેવાલો બાદ પોલીસ અને હોમ ઓફિસ દ્વારા ડીલીવરી ડ્રાઇવર્સને રોકીને વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તેમની સાયકલ – સ્કૂટર્સ કબ્જે કરવાનું શરૂ કર્યું છે.
બીજી તરફ સરકારના દબાણ પછી ફૂડ ડિલિવરી કરતી કંપનીઓએ ડીવીલરીનું લાયસન્સ ધરાવતા લોકોના ID ચેક વધારવાના પગલા લીધા છે. પોલીસ દ્વારા પકડવામાં આવેલા લોકોમાં બીજાના લાયસન્સ પર કામ કરતા લોકો, ઇલીગલ માઇગ્રન્ટ્સ અને કેટલાય ઓવરસ્ટેયર્સ ઝડપાયા છે.
ડિલિવરૂ, ઉબર ઇટ્સ અને જસ્ટ ઈટે તેમના પ્લેટફોર્મ દ્વારા અનિયમિત માઇગ્રન્ટ્સને કામ કરતા અટકાવવા માટે ચહેરાના ચકાસણી સહિત સુરક્ષા પગલાં મજબૂત કરવા સંમતિ આપી છે.
સરકારને માહિતી મળી હતી કે ઘણા એસાયલ સિકર્સ અને બોટોમાં ચેનલ પાર કરીને ઘુસી આવતા લોકો પોતાના દાવાઓના નિર્ણયની રાહ જોવાના બદલે ગેરકાયદેસર રીતે કામ કરવા માટે અન્ય લોકો પાસેથી ભાડે લીધેલા ચકાસાયેલ ડિલિવરી ડ્રાઇવર એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે. આમ તેઓ ડીલીવરી કરીને અને સરકાર પાસેથી બેનીફીટ લઇને બેવડી કમાણી કરે છે.
