અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બનેલું જંગી ટેક્સ રાહતો અને તોતિંગ ખર્ચ કાપ ધરાવતું બિગ બ્યુટીફુલ બિલ અંતે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવમાં પસાર થયું છે. હવે આ બિલ અંતિમ મંજૂરી માટે પ્રેસિડેન્ટને મોકલવામાં આવશે. ભારે ચર્ચા અને ગરમાગરમી બાદ આ બિલ અંતે લોઅર હાઉસમાં 218 વિરૂદ્ધ 214 મતની પાતળી સરસાઇથી પસાર થયું હતું. 4.5 ટ્રિલિયન ડોલરની ટેક્સ રાહત અને ખર્ચમાં કાપ ધરાવતું આ બિલ પસાર થવું ટ્રમ્પ માટે મોટી જીત છે. તેમની પાર્ટી રીપબ્લિકનના બે સાંસદો અંતિમ મતદાનમાં વિરોધ પક્ષ ડેમોક્રેટ્સ સાથે જોડાતા સરસાઇ ઘટી હતી. અમેરિકાના હાઉસમાં રાતભર તણાવભરી ચર્ચાઓ બાદ ટ્રમ્પને સૈદ્ધાંતિક રીતે મોટો વિજય મળ્યો હતો. અમેરિકાના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવમાં આ બિલ રજૂ થયા બાદ બંને પક્ષના સેનેટર્સ વચ્ચે જોરદાર આક્ષેપો-પ્રતિ આક્ષેપો થયા હતા. અંતે ગુરુવારે વહેલી સવારે આ બિલને 219 વિરુદ્ધ 213 મતે ચર્ચા માટે મંજૂરી મળી હતી અને પછી તેને મતદાન માટે રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે રજૂ કરેલા ‘બિગ બ્યુટીફુલ બિલ’માં 3.4 ટ્રિલિયન ડોલરના પેકેજ છે. જેમાં દાયકાની સૌથી મોટી ટેક્સ રાહત અને બાઈડનના કાર્યકાળમાં અમલી બનેલા ક્લીન એનર્જી ઈન્સેટિવ્સને નાબૂદ કરવાની જોગવાઈ છે. અમેરિકામાં વસેલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના સામૂહિક ડિપોર્ટેશન માટે અલાયદુ ફંડ રાખવાની ટ્રમ્પની યોજના છે. બિલને મતદાન પર મૂકવાની મંજૂરી મળતાં પહેલા ખૂબ લાંબી અને જટિલ ચર્ચાઓ થઈ હતી. ટ્રમ્પે જાહેર કરેલી ટેક્સ રાહતો સામે ખાસ વિરોધ નહોતો પરંતુ ખર્ચ કપાતની તેમની જોગવાઈથી અમેરિકામાં વ્યાપક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
