નવસારીમાં રવિવારે સતત ભારે વરસાદ પડતાં પૂર્ણા નદીમાં પૂર આવ્યું છે (ANI Video Grab)

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા ઓળઘોળ બન્યાં છે અને 7 જુલાઈ સુધીમાં રાજ્યમાં વિક્રમજનક 45 ટકાથી વધુ વરસાદ ખાબકતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જળતાંડવ જોવા મળ્યું હતું. અવિરત ભારે વરસાદને કારણે નદીઓ અને ડેમ છલકાયા હતાં અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. પાણીમાં ફસાયેલા આશરે 4,205 લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરિત કરાયાં હતાં. સાવચેતીના પગલા રૂપે 33 જિલ્લામાં એનડીઆરએફની 30 ટીમો અને એસડીઆરએફની 20 ટીમો તૈનાત કરાઈ હતી.

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી. છેલ્લાં 24 કલાકમાં તાપીના ડોલવણમાં સૌથી વધુ 157 મીમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ડાંગમાં 134 મીમી, કચ્છના ભુજમાં 127 મીમી, બારડોલીમાં 125 મીમી, પલસાણામાં 113, નખત્રાણામાં 112 મીમી વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેનાથી સાતમી જુલાઈએ નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ હતી.

રાજ્યમાં સરેરાશ 16 ઈંચ સાથે સિઝનનો 45 ટકા વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષે 7 જુલાઈ સુધી સરેરાશ 8 ઈંચ સાથે સિઝનનો 23 ટકા વરસાદ વરસ્યો નહોતો. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 28 ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ 48 ટકા વરસાદ થયો હતો.

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના ડેટા મુજબ સૌરાષ્ટ્રમાં 44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.42 ટકા, કચ્છમાં 42 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 39 ટકા જેટલો વરસાદ થઈ ચુક્યો હતો. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 38.50 ઈંચ, ડાંગમાં 31.70 ઈંચ સુરતમાં 28.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જિલ્લા પ્રમાણે સૌથી ઓછો 4.52 ઈંચ વરસાદ પાટણમાં નોંધાયો હતો.

વલસાડ જિલ્લાના કપરાડામાં 7 જુલાઈ સુધીમાં સૌથી વધુ 50.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત તાપીના ડોલવણમાં 44, નવસારીના ખેરગામમાં 43.50 ઈંચ વરસાદ થયો હતો. પાટણના શંખેશ્વરમાં સૌથી ઓછો 3.30 ઈંચ વરસાદ પડયો હતો. રાજ્યના 50 તાલુકામાં સરેરાશ 20 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વર્ષે જૂન મહિનામાં જ રેકોર્ડ 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવે આ વખતે જુલાઈમાં પણ વિક્રમજનક વરસાદની ધારણા છે. ગયા ચોમાસામાં જુલાઈમાં 19.72 ઈચ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગ (IMD) ગુજરાતના ડિરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે હવામાન વિભાગે દેશમાં આ વર્ષે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી હતી. તે ગુજરાત માટે સાચી ઠરી છે. આ વર્ષે આપણે અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી સારું ચોમાસુ મળ્યું છે. રાજસ્થાન અને ગુજરાત પરના સાઇક્લોનિકલ સર્ક્યુલેશનથી પણ ગુજરાતને લાભ થયો છે.

રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે 6 જુલાઈ સુધીમાં આશરે 3,700 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરાયા હતા. સાવચેતીના પગલા રૂપે 33 જિલ્લામાં એનડીઆરએફની 30 ટીમો અને એસડીઆરએફની 20 ટીમો તૈનાત કરાઈ હતી. ગુજરાતના માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સલાહ અપાઈ હતી. ભારે વરસાદને પગલે 14,332 ગામોમાં વીજપુરવઠાને અસર થઈ હતી

 

LEAVE A REPLY