ત્રાસવાદ સામે સામુહિક લડાઈની હાકલ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિઓ ડી જાનેરોમાં 17મા બ્રિક્સ સમીટમાં રવિવાર, 6 જુલાઇએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ સામે પ્રતિબંધો લાદવામાં કોઈ ખચકાટ ન હોવો જોઈએ અને આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ માપદંડ પર તોલી શકાય નહીં. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ગ્લોબલ સાઉથના મહત્ત્વ પર ભાર મૂકીને બ્રિક્સ દેશોને વૈશ્વિક સહયોગ અને બહુધ્રુવીય વિશ્વ માટે કાર્ય કરવાની પણ હાકલ કરી હતી. મોદીએ આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો અને આતંકવાદને માનવતા સામે ગંભીર પડકાર ગણાવ્યો હતો.
હાલની વૈશ્વિક વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂકીને વડાપ્રધાને જણાવ્યું હતું કે ગ્લોબલ સાઉથને સાતત્યપૂર્ણ વિકાસ, ટેકનોલોજી, જળવાયુ અને નાણાકીય રીતે માત્ર દેખાડા પૂરતો જ લાભ મળ્યો છે. ગ્લોબલ સાઉથ પ્રત્યે વિકસિત રાષ્ટ્રોના બેવડાં ધોરણ બંધ કરવા જોઇએ. ગ્લોબલ સાઉથ સાથે વિકાસ, સંસાધનોના વિતરણ અને સુરક્ષા સાથે સંકળાયેલા મુદ્દાઓ પર બેવડા માપદંડ રખાય છે. ગ્લોબલ સાઉથને જે પણ મળ્યું છે, તે માત્ર પ્રતિકરૂપે છે. તેમને હકીકતમાં કોઈ મદદ અપાઈ નથી. માત્ર દેખાડા માટે કેટલીક વસ્તુઓ આપવામાં આવી છે. ગ્લોબલ સાઉથને બેવડા ધોરણોનું શિકાર બનાવાયું છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે 20મી સદીમાં બનેલા વૈશ્વિક સંગઠનનો આજના પડકારોનો સામનો કરવામાં સક્ષમ નથી. દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધ, મહામારી, આર્થિક સંકટ, સાઈબર દુનિયાના પડકારો વગેરે માટે આ સંગઠનો પાસે કોઈ ઉકેલ નથી. આજની દુનિયાને નવી, બહુધ્રુવીય અને સર્વસમાવેશી વિશ્વ વ્યવસ્થાની જરૂર છે.
આ સંમલેનમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન હાજર રહ્યાં ન હતાં.
