ગુજરાતમાં અવિરત ભારે વરસાદને પગલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવાર, 7 જુલાઈએ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી તથા રસ્તાઓ, હાઇવે અને પુલોની સ્થિતિની સમીક્ષા કરી કરી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાને અધિકારીઓને ગ્રામીણ વિસ્તારો સહિત ક્ષતિગ્રસ્ત હાઇવે, કોઝવે, પુલ અને રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરવાનો આદેશ આપ્યો હતો.
મુખ્યપ્રધાને અધિકારીઓને જણાવ્યું હતું કે, વરસાદ ન હોય કે ઓછો હોય એવો એક પણ દિવસ વ્યર્થ ન જવો જોઈએ અને રજા હોય તો પણ લોકોના હિતમાં સમારકામ ચાલુ રાખવું જોઈએ. કોન્ટ્રાક્ટ પીરિયડ દરમિયાન રસ્તાઓ કે બ્રિજને નુકસાન થયું હોય તો કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરવા કરવાનો આદેશ આપ્યો હતો.
વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં જોડાયેલા મ્યુનિસિપલ કમિશનરોને મુખ્યપ્રધાને ક્ષતિગ્રસ્ત રસ્તાઓનુ તાત્કાલિક સમારકામ શરૂ કરવા અને પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવાની સૂચના આપી હતી.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ, NHAI, પંચાયત વિભાગ અને તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોએ સમારકામ કાર્ય હાથ ધરતી વખતે સંકલન કરવું જોઈએ. ગાંધીનગરમાં 24X7 કંટ્રોલ રૂમ દ્વારા વરસાદને કારણે કોઈપણ નુકસાન વિશે જાણ ત્યારે તરત સંબંધિત ઇજનેરો અને અધિકારીઓએ તાત્કાલિક સમારકામ કાર્ય શરૂ કરવું જોઈએ.
બેઠક દરમિયાન, NHAIના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસા દરમિયાન નુકસાન પામેલા 83 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાંથી 58 કિમીનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીના 25 કિમીનું સમારકામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
