ભારતે બર્મિંગહામ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 336 રને હરાવ્યું તેમાં રેકોર્ડના ઢગ ખડકાયા હતા. કેટલાક મહત્ત્વના રેકોર્ડ આ મુજબ છેઃ
1. બર્મિંગહામમાં ભારતનો 57 વર્ષમાં પહેલો વિજય
ભારતનો બર્મિંગહામમાં આ પહેલો ટેસ્ટ વિજય છે. ભારત અહીં સૌપ્રથમ 1967માં રમ્યું હતું અને ત્યારથી કુલ 9 ટેસ્ટ મેચ રમ્યું છે, જેમાં રવિવારે પહેલો વિજય નોંધાવ્યો હતો. અગાઉની 8 ટેસ્ટ મેચમાંથી એક ડ્રો રહી હતી, તો સાતમાં ભારતનો પરાજય થયો હતો.
2. વિદેશમાં ભારતનો સૌથી જંગી વિજય
ભારતનો વિદેશી ધરતી ઉપર 336 રનના જંગી માર્જીનથી વિજય એક નવો રેકોર્ડ છે. આ અગાઉ 2016માં વેસ્ટ ઈન્ડિઝના એન્ટિગામાં વેસ્ટ ઇન્ડિઝને 318 રને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડ સામે આ પહેલા ભારતે 1986માં લીડ્સ ટેસ્ટમાં 279 રને વિજય હાંસલ કર્યો હતો.
3. બર્મિંગહામમાં આકાશદીપ શ્રેષ્ઠ બોલર
આકાશદીપે બર્મિંગહામ ટેસ્ટના પ્રથમ દાવમાં 4 અને બીજા દાવમાં 6 વિકેટ લીધી હતી. 187 રનમાં 10 વિકેટ લઈ આ મેચમાં પૂરી કરી. આ રીતે, બર્મિંગહામમાં તે શ્રેષ્ઠ બોલિંગ કરનાર ભારતીય બન્યો. આ અગાઉ 1986માં ચેતન શર્માનો 188 રનમાં 10 વિકેટનો રેકોર્ડ હતો.
4. શુભમનનો એક ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સ્કોર
શુભમન ગિલે પહેલી ઇનિંગમાં 269 અને બીજી ઇનિંગમાં 161 રન સાથે બર્મિંગહામ ટેસ્ટમાં 430 રન કર્યા. ભારતીય ટીમ વતી કોઈ ખેલાડી અને કેપ્ટનનો એક ટેસ્ટમાં સૌથી વધુ રનનો આ નવો રેકોર્ડ છે. અગાઉ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો, તેણે 2017 માં શ્રીલંકા સામેની મેચમાં સુકાની તરીકે 293 રન કર્યા હતા. ગિલે ઈંગ્લેન્ડમાં એક ઈનિંગમાં પણ સૌથી વધુ – 269 રનનો નવો ભારતીય તરીકેનો રેકોર્ડ કર્યો હતો. અગાઉ આ રેકોર્ડ ગાવસ્કરના નામે ઓવલમાં 1979માં 221 રનનો હતો. એક ખેલાડી તરીકે એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ ગાવસ્કરના નામે હતો. સન્નીએ 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે 344 રન કર્યા હતા.ગિલે એક જ ટેસ્ટની બે ઈનિંગમાં 250 અને 150 રનનો વિશિષ્ટ રેકોર્ડ પણ નોંધાવ્યો છે.
5. ગિલનો ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ
શુભમન ગિલે પહેલી ઇનિંગમાં 3 અને બીજી ઇનિંગમાં 8 છગ્ગા ફટકાર્યા હતા. કુલ 11 છગ્ગા સાથે તે ઇંગ્લેન્ડમાં એક ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બન્યો.
6. ટેસ્ટ મેચમાં ભારતે પહેલીવાર એક હજાર રન કર્યા
ભારતે પહેલી ઇનિંગમાં 587 રન અને બીજી ઇનિંગમાં 427 રન, એમ બર્મિંગહામ ટેસ્ટમાં કુલ 1014 રન કર્યા હતા. ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર ભારતે 1000 રનનો આંકડો વટાવ્યો હતો. આ પહેલા 2003માં ભારતે સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 916 રન કર્યા હતા.
7. યશસ્વી જયસ્વાલ ભારતમાં 2000 ટેસ્ટ રન કરવામાં સંયુક્ત રીતે સૌથી ઝડપી
યુવા બેટર અને ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલે પહેલી ઇનિંગમાં 87 રન અને બીજી ઇનિંગમાં 28 રન કર્યા હતા. આ સાથે તેણે બે હજાર ટેસ્ટ રન 40 ઈનિંગમાં પુરા તે ભારત તરફથી 2 હજાર ટેસ્ટ રન પૂરા કરનારો સંયુક્ત રીતે સૌથી ઝડપી બેટર બન્યો હતો. જયસ્વાલે આ રેકોર્ડમાં રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગની બરાબરી કરી. બંનેએ 40-40 ઇનિંગમાં 2 હજાર ટેસ્ટ રન પણ પુરા કર્યા હતા.
