(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

યુવા અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પોતાની કારકિર્દીમાં કરેલી ભૂલોનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો. તે થોડા સમય અગાઉ રીલીઝ થયેલી ‘હાઉસફુલ 5’માં જોવા મળી હતી. તાજેતરમાં તેણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં ભૂતકાળમાં કરેલી ભૂલો અને સારી ફિલ્મો છોડવા માટે અફસોસ વ્યક્ત કર્યો હતો.

ચિત્રાંગદાએ ‘હઝારોં ખ્વાહિશેં ઐસી’ ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું, તેને આજે 20 વર્ષ થઇ ગયા છે. તેણે કહ્યું હતું કે, “આ 20 વર્ષ બહુ ઝડપથી પસાર થઇ ગયા છે. જ્યારે હું એ યાદ કરું છું તો લાગે છે, હું ઘણી આગળ નીકળી ગઈ છું. મને નથી લાગતું કે હું એટલી મહત્વાકાંક્ષી છું. મને આટલી સફળતા મળશે તેની ખબર નહોતી. હું તો માત્ર લગ્ન કરી લઈશ અને ખુશ રહીશ એવું જ માનતી હતી. મારું મારા માટે કોઈ સપનું જ નહોતું. મને લાગે છે, મને બધું જ અપેક્ષા કરતાં વધારે મળ્યું છે. જોકે, આ 20 વર્ષમાં વચ્ચે 9 વર્ષનો બ્રેક આવ્યો છે. 11 વર્ષ કામ કર્યું અને લોકો મને ભુલ્યાં નથી, તેથી હું આભારી છું.”

ચિત્રાંગદાએ મહત્વની ફિલ્મ છોડવા અંગે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું, મેં એ ભૂલો કરી છે. મેં અનુરાગ બાસુની ‘ગેંગ્સ્ટર’, ‘તનુ વેડ્ઝ મનુ’, ‘મંગલ પાંડે’માં અમિષા પટેલવાળા રોલ માટે ના કહી હતી. હજુ એક આવી ફિલ્મ હતી, જે હું ભુલી ગઈ છું. તે પછી શાહરુખ ખાન અને રાણી મુખરજીની ‘ચલતે ચલતે’માં પણ મેં ના કહી હતી. આથી તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને તાત્કાલિક કોઇની શોધમાં હતાં, મને શાહરુખે વાત કરી. સઇદ મિર્ઝાને મારું કામ ગમ્યું હતું અને એ લોકો મને શોધતા હતા. જુહી ચાવલાના ભાઈ બેબીને મારું કામ ગમ્યું હતું તો એ મારો નંબર શોધતો હતો. મેં શાહરુખ સાથે એક જાહેરાતમાં કામ કર્યું ત્યારે તેણે મને આ બધું કહ્યું. ”

જ્યારે ફિલ્મોમાંથી લાંબો બ્રેક લેવા અંગે કહ્યું હતું કે, “બ્રેકનાં પ્રથમ સાત વર્ષ મારા અંગત જીવનના કારણે હતા, ત્યાં મારે સમય આપવો જરૂરી હતો અને મારે એક દીકરો હતો. પછી હું પાછી આવી અને ફરી બે વર્ષનો બ્રેક લેવો પડ્યો કારણ કે હું ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. ત્યારે મારે જે કામ કરવું હતું તે પણ મને મળતું નહોતું, તેથી મેં અહીં રહેવાનું ટાળ્યું. હું માનસિક રીતે પણ ચડાવ-ઉતારના તબક્કામાં હતી, તેથી મારે ખુશી મળે તેવું કામ કરવું હતું. ”

 

LEAVE A REPLY