
ગુજરાતના વડોદરા જિલ્લામાં બુધવાર, 9 જુલાઈએ મહિસાગર નદી પરનો ચાર દાયકા જૂનો એક બ્રિજ તૂટી પડતાં બે બાળક સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાં હતાં અને નવ લોકોને બચાવી લેવામાં આવ્યાં હતાં. આ દુર્ઘટનામાં 10 લોકો ઘાયલ પણ થયા હતાં. બે થાંભલાઓ વચ્ચેના પુલનો આખો સ્લેબ તૂટી પડ્યો હતો અને તેનાથી બ્રિજ બે ટુકડા થઈ ગયો હતો. આ બ્રિજ પાદરા નજીક આવેલો છે.
વડોદરાના કલેક્ટર અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા અડધો ડઝન વાહનો નદીમાં ખાબક્યા હતા. તેમાં બે ટ્રક, બે વાન, એક ઓટોરિક્ષા અને એક ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. બે અન્ય વાહનો જે ખતરનાક રીતે પડવાની નજીક આવી ગયા હતા તેમને સુરક્ષિત સ્થળે ખેંચીને લઈ જવામાં આવ્યા હતા. નદીમાં પડી ગયેલા ટુ-વ્હીલર પર સવાર ત્રણ વ્યક્તિઓ તરીને સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા દસમાંથી બે ભાઈ-બહેન હતાં. તેમાં એક બે વર્ષનો છોકરો અને તેની ચાર વર્ષની બહેનનો સમાવેશ થાય છે. મોટાભાગના મૃતકો વડોદરા અને આણંદ જિલ્લાના રહેવાસી હતા અને એક બાળક સિવાય તમામ પુરુષો હતાં. એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાંચ વ્યક્તિઓમાંથી ચાર પુરુષો અને એક મહિલા હતી. ઘાયલોમાં એક રાજસ્થાનના ઉદયપુર જિલ્લાનો રહેવાસી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને દરેક મૃતકના પરિવારજનોને અનુક્રમે 2 લાખ અને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનાને અત્યંત દુઃખદ ગણાવીને કહ્યું હતું કે રાજ્ય સરકાર જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે.
ગુજરાતના પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ પુલ ૧૯૮૫માં બનાવવામાં આવ્યો હતો અને જરૂર પડ્યે સમયાંતરે તેની જાળવણી કરવામાં આવતી હતી. આ ઘટના પાછળના ચોક્કસ કારણની તપાસ કરાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટેકનિકલ નિષ્ણાતોને સ્થળ પર પહોંચવા અને બ્રિજ ધરાશાયી થવાના કારણની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
આ ઘટના સવારે લગભગ 7.30 વાગ્યે બની હતી. વડોદરા ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતીં.
વડોદરા જિલ્લામાં પાદરા-જંબુસર વચ્ચે આવેલ લગભગ ૯૦૦ મીટર લાંબા ગંભીરા પુલમાં ૨૩ થાંભલા છે અને તે ગુજરાતના વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડે છે. તેનું ઉદ્ઘાટન ૧૯૮૫માં થયું હતું.
