ભારત અને અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં વચગાળાની વેપાર સમજૂતી થવાનો સ્પષ્ટ સંકેત આપતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ભારત સાથે વેપાર સમજૂતી કરવાની ઘણી નજીક પહોંચી ગયું છે. વિશ્વના 14 દેશોને ટેરિફ પત્રો મોકલ્યા પછી ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું.
ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે યુનાઇટેડ કિંગડમ સાથે સોદો કર્યો છે, અમે ચીન સાથે સોદો કર્યો છે….અમે ભારત સાથે સોદો કરવાની નજીક છીએ. બીજા દેશો સાથે વેપાર વાટાઘાટો થઈ છે, પરંતુ અમને નથી લાગતું કે અમે સોદો કરી શકીશું, તેથી અમે તેમને ફક્ત એક પત્ર મોકલીએ છીએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હોવાનો ફરી એકવાર દાવો કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે બંને દેશોને કહ્યું હતું કે જો તેઓ લડાઈ ચાલુ રાખશે તો વોશિંગ્ટન તેમની સાથે વેપાર કરશે નહીં.
