
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ તેમના યુકેની સ્ટેટ વિઝીટના પહેલા દિવસે યુકે પાર્લામેન્ટને સંબોધિત કરી હતી. મેક્રોં અને તેમના પત્ની બ્રિજિટ તે અગાઉ વિન્ડસર કાસલમાં મહારાજા અને રાણીને મળ્યા હતા, જ્યાં તેમણે કેરેજ શોભાયાત્રાનું નેતૃત્વ કર્યું હતું અને વિન્ડસર કાસલમાં બપોરનું ભોજન લીધું હતું.
રાષ્ટ્રપતિ મેક્રોં મંગળવારે સાંજે સ્ટેટ બેન્ક્વેટ માટે વિન્ડસર પાછા ફરતા પહેલા વડા પ્રધાન સર કેર સ્ટાર્મરને મળનાર છે. તેઓ નાની બોટ ક્રોસિંગનો સામનો કેવી રીતે કરવો તેની ચર્ચા કરે તેવી અપેક્ષા છે. ડાઉનિંગ સ્ટ્રીટ યુકેમાં મેક્રોના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન “સારી પ્રગતિ”ની આશા રાખે છે
મેક્રોએ રોયલ ગેલેરીમાં સંસદના બંને ગૃહોને પોતાનું સંબોધન શરૂ કર્યું ત્યારે રૂમ રાજકારણીઓથી ભરેલો હતો.
સંબોધનમાં મેક્રોંએ સંસદમાં કેર સ્ટાર્મરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘’સાંસદો અને સાથીદારોને સંબોધન કરવું એ મહાન સન્માન છે. ગાઝામાં યુદ્ધવિરામ તાત્કાલિક છે પણ તે પહેલા, બ્રિટન અને ફ્રાન્સે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના રક્ષણ માટે સાથે મળીને કામ કરવું જોઈએ. વિન્સ્ટન ચર્ચિલ એવા સ્વપ્નદ્રષ્ટાઓમાંના એક હતા જેમની પાસે એક મજબૂત ટ્રાન્સએટલાન્ટિક જોડાણ બનાવવામાં મદદ કરવાની દૂરંદેશી હતી. તેમણે વિશ્વ વ્યવસ્થા આધારિત કાયદો, ન્યાય અને પ્રદેશ અને અખંડિતતા માટે આદરનું સમાન દ્રષ્ટિકોણ આપણા પર પસાર કર્યું હતું.’’
મેક્રોંએ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું રક્ષણ કરવા માટે સાથે મળીને કામ કરવા માટે આહ્વાન કરતાં વેસ્ટમિન્સ્ટર પેલેસમાં તાળીઓના ગડગડાટથી આવકારવામાં આવ્યું હતુ.
તેમણે યુક્રેન પર રશિયા દ્વારા “ગેરકાયદેસર રીતે” હુમલો કરવામાં આવ્યાનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે ‘’જેમ તમે દાયકાઓ પહેલા મારા દેશ ફ્રાન્સને મદદ કરી હતી તેમ યુક્રેનને હાલમાં કરી રહ્યા છો. પુતિનનું રશિયા યુક્રેનમાં આગળ વધશે, ત્યારે ખતરો આપણા બધાની નજીક જશે. યુરોપિયનો ક્યારેય યુક્રેનને છોડશે નહીં. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, આજે ગાઝામાં કોઈપણ શરત વિના યુદ્ધવિરામ માટે હાકલ કરવાનો અર્થ એ છે કે યુરોપિયનો તરીકે, આપણા માટે કોઈ બેવડું ધોરણ નથી. અમે યુદ્ધવિરામ ઇચ્છીએ છીએ, કોઈ ચર્ચા નહીં. પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવા માટે સાથે મળીને કામ કરવું એ શાંતિનો એકમાત્ર રસ્તો છે.’’
તેમણે ગેરકાયદેસર સ્થળાંતર બાબતે કહ્યું હતું કે ગુનાહિત ગેંગને નિયમોનું “ઉલ્લંઘન” કરવાની મંજૂરી આપી શકાય નહિં. યુકેની “માનવતા, એકતા અને દૃઢતા સાથે અનિયમિત માઇગ્રેશનને સંબોધવાની સહિયારી જવાબદારી છે. આ વિષય પર યુકે અને ફ્રાન્સ વચ્ચે ગાઢ સહયોગ છે, અને અમારો ઉદ્દેશ્ય આજે આપણા બંને દેશો માટે જે બોજ છે તેને ઠીક કરવાનો છે.’’
