પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વિઝાની મુશ્કેલીઓ અને અરજદારોની સંખ્યામાં ઘટાડા છતાં 2024-25માં પણ અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સૌથી મોટો સ્રોત ભારત રહ્યું છે. અમેરિકન કેમ્પસમાં 3,63,019 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે અગાઉના વર્ષ કરતાં 10%નો વધારો દર્શાવે છે. જો કે, આ વધારો 2023-24ના 23% ના આશ્ચર્યજનક ઉછાળા કરતાં ઓછો છે.

વિઝાની વધુ આકરી તપાસ, એપોઇન્ટમેન્ટ માટેની લાંબી કતારો અને વર્ક-વિઝા રૂટ્સ પરની અનિશ્ચિતતા છતાં અમેરિકન કેમ્પસમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવામાં બહુ મોટો ફાળો આપ્યો નથી. ચીન એક સમયે નિર્વિવાદ અગ્રણી હતું, તેના વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત પાંચમા વર્ષે ઘટાડો થયો છે. આ વખતે 4%ના ઘટાડા સાથે ચીનના 2,65,919 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. એકંદરે, સમગ્ર વિશ્વમાંથી અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં 7%નો ઘટાડો નોંધાયો છે અને પ્રારંભિક સંકેતો ભવિષ્યમાં મુશ્કેલીઓ વધવાનો તરફ ઇશારો કરે છે. ફોલ 2025 સ્નેપશોટ એકંદરે આંતરરાષ્ટ્રીય સંખ્યામાં 1%નો ઘટાડો અને નવા આવનારાઓમાં 17%નો ઘટાડો દર્શાવે છે.

ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકામાં તેમના શિક્ષણ, રહેઠાણ અને અન્ય બાબતો પાછળ કુલ $14 બિલિયનનો ખર્ચ કર્યો હતો, જે ચીનના $14.6 બિલિયન (અન્ય કોઈપણ રાષ્ટ્રના વિદ્યાર્થીઓ કરતાં સૌથી વધુ) ના ખર્ચની લગભગ બરાબરી કરી છે. 2023-24માં, ભારતીયોએ $11.8 બિલિયન ખર્ચ્યા હતા.

2024-25 માં, ભારતમાંથી અંડરગ્રેજ્યુએટ પ્રવેશમાં 11% નો વધારો થયો હતો. જો કે, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા, જે પરંપરાગત રીતે ભારતની સૌથી મજબૂત સ્ટ્રીમ છે, તેમાં 9.5% નો ઘટાડો થયો હતો. ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેઈનિંગ – ઓપીટી ગ્રેજ્યુએટ્સને શૈક્ષણિક અભ્યાસ પછી વ્યવહારુ કાર્ય અનુભવ મેળવવાની તક આપે છે, તેમાં 47% નો ઉછાળો થયો હતો.

વૈશ્વિક સ્તરે, 2024ના પાનખરમાં અમેરિકન સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 7%નો ઘટાડો થયો હતો. તેમાં નવા અંડરગ્રેજ્યુએટ્સમાં 5%નો વધારો થયો હતો, પણ નવા ગ્રેજ્યુએટ પ્રવેશકર્તાની સંખ્યામાં 15%નો ઘટાડો થયો હતો. ભારતીય વિદ્યાર્થીઓના આંકડા દર્શાવે છે કે 63%એ સરકારી સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો હતો, તો 37%એ ખાનગી સંસ્થાઓ પસંદ કરી હતી. તેઓ મુખ્યત્વે ટેક્સાસ, ન્યૂયોર્ક, મેસેચ્યુસેટ્સ, કેલિફોર્નિયા અને ઇલિનોઇસના કેમ્પસમાં ગયા હતા.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાના ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓની કુલ વસ્તીના 6% હિસ્સો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અનુસાર, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ 2024માં દેશના અર્થતંત્રમાં લગભગ $55 બિલિયનનું યોગદાન આપ્યું હતું, અને NAFSA અનુસાર, સમગ્ર અમેરિકામાં 3.5 લાખથી વધુ જોબ્સને ટેકો આપ્યો હતો. યુએસ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેનું ટોચનું સ્થળ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મોકલતા ટોચના 25 દેશોમાંથી બાર દેશોએ આજ સુધીના તેમના સૌથી મોટા આંકડા હાંસલ કર્યા – બાંગ્લાદેશ, કેનેડા, કોલંબિયા, ઘાના, ભારત, ઇટાલી, નેપાળ, નાઇજીરીયા, પાકિસ્તાન, પેરુ, સ્પેન અને વિયેતનામ.

આગામી પ્રવેશ સત્ર માટે અમેરિકન સંસ્થાઓ વિયેતનામ (સ્નેપશોટ સર્વેમાં ભાગ લેનાર 55% સંસ્થાઓ), ભારત (49%), બ્રાઝિલ (39%), અને દક્ષિણ કોરિયા (39%)માં અંડરગ્રેજ્યુએટ આઉટરીચને પ્રાથમિકતા આપી રહી છે.

LEAVE A REPLY