(ANI Photo)

યુવા અભિનેત્રી શ્રદ્ધા કપૂર બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. શ્રદ્ધાની છેલ્લી ફિલ્મ ‘સ્ત્રી 2’ને તો ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતી. તેની નવી ફિલ્મ કઈ હશે એ અંગે તેના ચાહકો રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ શ્રદ્ધાની નવી ફિલ્મ વાસ્તવિક વ્યક્તિના જીવન પર આધારિત છે, જેમાં તે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બોલીવૂડના પીઢ અભિનેતા શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા , લક્ષ્મણ ઉટેકર સાથે આ ફિલ્મ કરી રહી છે, જેમણે વિકી કૌશલ સાથે ‘છાવા’ બનાવી હતી. આ ફિલ્મમાં શ્રદ્ધા મહારાષ્ટ્રનાં જાણીતા લાવણી લોકનૃત્યાંગના વિઠાબાઈ નારાયણગાંવકરની ભૂમિકા ભજવશે. તેના માટે પડકારરૂપ ભૂમિકા છે.

વિઠાબાઈ માત્ર નૃત્યાંગના નહોતાં પરંતુ એક બહાદુર અને શક્તિશાળી મહિલા હતાં. તેમણે વર્ષો સુધી મંચ પર લાવણી નૃત્ય રજૂ કરીને સંઘર્ષના દિવસોમાં પણ તેઓ સ્ટેજ સાથે જોડાયેલાં રહ્યાં હતાં. તેમનાં જીવનની એક ખુબ જાણીતી વાત એ છે કે તેમણે પોતાનાં બાળકને જન્મ પણ બેકસ્ટેજ એક શો દરમિયાન જ આપ્યો હતો. ત્યાં તેમને બાળકને જન્મ આપવામાં મદદ કરવા માટે કોઈ જ નહોતું, ત્યારે એક પત્થરની મદદથી તેમણે બાળકની નાડ કાપી હતી અને ફરી સ્ટેજ પર જઇને પોતાની પ્રસ્તુતિ પણ પૂર્ણ કરી હતી.

તેઓ પોતાની આ નૃત્યકળા માટે આ સ્તરનું સન્માન અને સમર્પણ ધરાવતા હતા. આમ, આ ફિલ્મ માત્ર લાવણી નૃત્ય આધારિત નથી કરતી. આ ફિલ્મ મહિલાની હિંમત, કળા માટેનો તેનો પ્રેમ અને સમર્પણ અને પુરુષ પ્રધાન વિશ્વમાં તેમણે કઈ રીતે પોતાનું સ્થાન બનાવ્યું, તેની વાત છે. સૂત્રો કહે છે કે, આ ફિલ્મ વિઠાબાઈના જીવન પર આધારિત પુસ્તક પરથી બનશે, જેમાં તેમનાં જીવન, સંઘર્ષ, સન્માન અને ઇમાનદારીની વાત કરવામાં આવશે, આ ફિલ્મમાં જાણીતા સંગીતકારબંધુ અજય અતુલનું સંગીત હોવાની ચર્ચા છે. આ વિષયની વાર્તા મજબુત હોવાથી આ ફિલ્મ શ્રદ્ધાની કારકિર્દી માટે પણ મહત્વની છે. કોઇપણ કલાકાર માટે ઇતિહાસનું મજબૂત પાત્ર ભજવવું એ કોઈ સરળ વાત હોતી નથી.

 

LEAVE A REPLY