
રેગ્યુલેટર ઓફકોમ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અંતર્ગત રોયલ મેઇલને શનિવારે સેકન્ડ-ક્લાસ પત્રોની ડિલિવરી બંધ કરવા અને સોમવારથી શુક્રવાર સુધી અઠવાડિયાના વૈકલ્પિક દિવસોમાં સેવાઓ પૂરી પાડવા માટે લીલીઝંડી આપવામાં આવી છે.
ઓફકોમે જણાવ્યું હતું કે યુનિવર્સલ સર્વિસીસ ઓબ્લિગેશન (USO) માં સુધારા પોસ્ટલ સેવા વાપરતા લોકોના બદલાતા વર્તનને પ્રતિબિંબિત કરે છે, જેના કારણે દેશભરમાં ઓછા પત્રો મોકલવામાં આવી રહ્યા છે. ઓફકોમે જણાવ્યું હતું કે તેનાથી દર વર્ષે £250 મિલિયન અને £425 મિલિયન વચ્ચેની પોસ્ટલ ડિલિવરી સેવાની બચત થઇ શકે છે.
ફર્સ્ટ-ક્લાસ પોસ્ટ હજુ પણ સોમવારથી શનિવાર સુધીમાં બીજે જ દિવસે ડિલિવરી કરવામાં આવશે. જ્યારે સેકન્ડ-ક્લાસ સ્ટેમ્પની કિંમત પર મર્યાદા ચાલુ રહેશે.
ઓફકોમે બીજા દિવસે ડિલિવર કરવાના ફર્સ્ટ-ક્લાસ પોસ્ટના લક્ષ્યાંકને 93%થી ઘટાડીને 90% અને સેકન્ડ-ક્લાસ પોસ્ટને ત્રણ દિવસમાં ડિલિવર કરવાના લક્ષ્યાંકને 98.5%થી ઘટાડીને 95% કર્યો છે.
રોયલ મેઇલ પોસ્ટની સમયસર ડિલિવરી કરવામાં સંઘર્ષ કરી રહી છે, 2023ના મધ્યભાગથી ડિલિવરી લક્ષ્યાંક ચૂકી જવા બદલ £16 મિલિયનથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ નવા નિયમો 28 જુલાઈથી અમલમાં આવશે.
નેટવર્કે 2024માં 7 બિલિયન પત્રોનું સંચાલન કર્યું હતું, જે સંખ્યા બે દાયકા પહેલા વાર્ષિક 20 બિલિયન હતી.
