(ANI Photo)

સાઉથ ઇન્ડિયા અને બોલીવૂડના પીઢ અભિનેતા રજનીકાંતની નવી એક્શન-થ્રિલર ‘કુલી’નું શૂટિંગ શરૂ થતાં પહેલાં જ તેમના ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. લોકેશ કનગરાજના દિગ્દર્શનમાં મોટા બજેટની ફિલ્મને ભારતભરમાં રિલીઝ કરવાનું આયોજન હોવાથી તેમાં સાઉથની સાથે બોલીવૂડની ચમક પણ જોવા મળશે. બોલીવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન રજનીકાંતની સાથે ‘કુલી’માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આમિરખાન આ ફિલ્મમાં નાની પણ દમદાર ભૂમિકા ભજવશે. આમિર ખાને સાઉથમાં પોતાની આ ફિલ્મ અંગે કહ્યું હતું કે, તેઓ રજનીકાંતના ખૂબ મોટા ચાહક હોવાથી ‘કુલી’માં કામ કરવા તૈયાર થઈ ગયા છે. આમિરના જણાવ્યા મુજબ, લોકેશ કનગરાજે રજનીકાંત સાથે ફિલ્મ ઓફર કરી હતી. રજનીકાંતનું નામ સાંભળતા જ આમિર ખાને તરત ઓફર સ્વીકારી હતી.

આમિર ખાન સામાન્ય રીતે ફિલ્મની પસંદગીમાં ખૂબ સાવચેતી રાખે છે. ફિલ્મમાં પોતાના કેરેક્ટર અને સ્ટોરીને સારી રીતે સમજ્યા પછી જ ઓફર સ્વીકારે છે. કોઈ ફિલ્મમાં નાનો રોલ હોય તો પણ આમિર ખાન ઘણી બધી તકેદારી રાખે છે. આ કિસ્સામાં આમિર ખાને રજનીકાંતનું નામ સાંભળતા જ ખુશ થઈને કેમિયો માટે તૈયારી બતાવી હતી. ‘કુલી’માં આમિર ખાનના કેમિયોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મમાં પોતાના રોલ અંગે આમિરે સ્પષ્ટતા કરી નથી, પરંતુ શૂટિંગમાં ખૂબ મજા આવી હોવાનું જણાવ્યું છે. સન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ થઈ રહેલી આ ફિલ્મમાં સૌબિન શાહિર, નાગાર્જુન, શ્રુતિ હાસન, સત્યરાજ અને ઉપેન્દ્ર જેવા જાણીતા કલાકારો છે. ‘કુલી’ને આ જ વર્ષે સ્ટાન્ડર્ડ અને આઈમેક્સ ફોર્મેટમાં દુનિયાભરમાં રિલીઝ કરાશે.

છેલ્લાં કેટલાંક સમયથી આ ફિલ્મના ઇન્ટરનેશલ રાઇટ્સ અંગે પણ ઘણી ચર્ચા ચાલે છે. કહેવાય છે કે, આ રાઇટ્સ આયંગરન ઇન્ટરનેશનલને રૂ. 68 કરોડની મોટી રકમમાં વેચાયા છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ અત્યાર સુધીની બીજી સૌથી મોટી ડીલ હોવાનું માનવામાં આવે છે. હજુ જો વૉર 2 સાથે આ ફિલ્મની સ્પર્ધા ન હોત તો આ ફિલ્મને વધુ મોટી ડીલ મળી હોત. જોકે, રજનીકાંતની ફિલ્મને મળેલી આ સૌથી મોટી ડીલ છે. આ પહેલાં જેલર કે તેની સિક્વલને પણ આટલી મોટી ડીલ મળી નથી.

LEAVE A REPLY