વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજા સિંહનું 114 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. તેમની એડફેટમાં લેનારા કેનેડા સ્થિતિ એસયુપી ડ્રાઇવરની પોલીસે બુધવારે ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી ત્રણ અઠવાડિયા પહેલા કેનેડાથી પંજાબમાં ઘરે પાછો ફર્યો હતો.
જાલંધર ગ્રામીણના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) હરવિંદર સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમૃતપાલ સિંહ ધિલ્લોન (26)ની મંગળવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી અને તેનું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે.
કરતારપુરનો વતની ધિલ્લોન ટૂરિસ્ટ વિઝા પર કેનેડા ગયો હતો પરંતુ ત્યાં તેને વર્ક પરમિટ મળી હતી, જે 2027 સુધી માન્ય છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, એવું સામે આવ્યું છે કે ધિલ્લોન કોઈ કામ માટે ઉતાવળમાં હોવાથી તેની SUV ઝડપથી ચલાવી રહ્યો હતો, અને કારે ફૌજા સિંહને ટક્કર મારી હતી.
ગ્રામજનોએ દાવો કર્યો કે, SUV કારે ફૌજા સિંહને અડફેટે લીધા હતા. ભારતમાં તમામ પક્ષોના નેતાઓએ મેરેથોન દોડવીરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમના અનોખા વ્યક્તિત્વ અને ફિટનેસ વિષય પર ભારતના યુવાનોને પ્રેરણા આપવાની રીતને કારણે તેઓ અસાધારણ હતાં. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું કે આ અનુભવી મેરેથોન દોડવીરએ પોતાની લાંબી દોડથી વિશ્વભરના શીખ સમુદાયને ગૌરવ અપાવ્યું છે..
