અમેરિકાએ પહેલગામ હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (એલઈટી) સાથે જોડાયેલા સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.
ગુરુવારે વિદેશ વિભાગના નિવેદનમાં, વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલગામ હુમલા માટે ન્યાય માટેના આહ્વાનને લાગુ કરવા માટેની અમેરિકાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે આ દર્શાવે છે કે ભારત-અમેરિકા આતંકવાદ વિરોધી સહયોગ કેટલો મજબૂત છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા હુમલામાં 26 લોકોના મોત થયા હતાં. રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, પરંતુ બાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં તેને પાછીપાની કરી હતી.ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સીએ TRFના વડા શેખ સજ્જાદ ગુલને હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખી કાઢ્યા છે.
રૂબિયોએ જણાવ્યું હતું કે વિદેશ વિભાગ TRFને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી (SDGT) જાહેર કરે છે. TRF સામેની આ કાર્યવાહી આપણા રાષ્ટ્રીય સુરક્ષા હિતોનું રક્ષણ કરવા, આતંકવાદનો સામનો કરવા અને પહેલગામ હુમલા માટે ન્યાય માટે ટ્રમ્પના આહ્વાનને લાગુ કરવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ (પહલગામ હુમલો) 2008માં લશ્કર-એ-તોયબા દ્વારા કરવામાં આવેલા મુંબઈ હુમલા પછી ભારતમાં નાગરિકો પરનો સૌથી ઘાતક હુમલો હતો. TRFએ ભારતીય સુરક્ષા દળો સામેના અનેક હુમલાઓની જવાબદારી પણ સ્વીકારી છે, જેમાં તાજેતરમાં 2024માં થયેલા હુમલાનો પણ સમાવેશ થાય છે.
