ભારત અને યુકે આગામી સપ્તાહે બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરે તેવી ધારણા છે. આ કરાર માટેની વાટાઘાટો 6મેએ પૂરી થઈ હોવાની બંને દેશોએ જાહેરાત કરી હતી. FTA ટેક્સ્ટની કાનૂની તપાસની પ્રક્રિયા ચાલી રહી છે. આવતા અઠવાડિયે તેના પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, એમ ભારત સરકારના અધિકારીએ જણાવ્યું હતું.
એકવાર FTA પર હસ્તાક્ષર થઈ ગયા પછી, તેને અમલમાં મૂકતા પહેલા બ્રિટિશ સંસદ અને ભારતની કેબિનેટની મંજૂરી લેવી પડશે. આ કરારનો અમલ કરવામાં આશરે એક વર્ષનો સમય લાગવાની ધારણા છે.
અગાઉ એવા અહેવાલ આવ્યાં હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંત સુધીમાં યુકેની મુલાકાત લે તેવી શક્યતા છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો ઔપચારિક રીતે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરે તેવી ધારણા છે.
મે મહિનામાં, ભારત અને યુકેએ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં, જેનાથી ભારતની 99 ટકા નિકાસને ટેરિફમાં રાહત મળી શકે છે. બીજી તરફ બ્રિટિશ કંપનીઓ માટે ભારતમાં વ્હિસ્કી, કાર અને અન્ય પ્રોડક્ટ્સની નિકાસ કરવાનું સરળ બનશે.
ભારત અને યુકે વચ્ચે 6મેએ આશરે ત્રણ વર્ષની લાંબી વાટાઘાટો પછી સીમાચિહ્નરૂપ મુક્ત વેપાર કરાર થયો હતો. બેક્ઝિટ પછી લંડન માટે આ સૌથી મહત્ત્વનો વેપાર કરાર છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વેપાર કરારને મહત્વાકાંક્ષી અને પરસ્પર ફાયદાકારક ગણાવ્યો હતો, જયારે બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મરે કહ્યું હતું કે તે “વેપાર માટેના નવા યુગ”માં જોડાણોને મજબૂત બનાવશે અને વેપાર અવરોધોને ઘટાડશે.
વેપાર કરારનો હેતુ ઉદાર બજાર પ્રવેશ અને વેપાર નિયંત્રણો હળવા કરી 2040 સુધીમાં દ્વિપક્ષીય વેપારમાં 25.5 બિલિયન પાઉન્ડ ($34 બિલિયન)નો વધારો કરવાનો લક્ષ્યાંક છે. 2024માં બંને દેશો વચ્ચે કુલ 42.6 બિલિયન પાઉન્ડનો વેપાર થયો હતો. ભારત બ્રિટનનો 11મો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે.
આ કરારમાં વ્હિસ્કી, એડવાન્સ્ડ મેન્યુફેક્ટરિંગ પાર્ટસ તથા લેમ્બ, સૅલ્મોન, ચોકલેટ અને બિસ્કિટ જેવી ફૂડ પ્રોડક્ટ્સની આયાત જકાતમાં ઘટાડો કરવાની જોગવાઈ છે. તેમાં ઓટો આયાત માટે બંને બાજુના ક્વોટા માટે પણ સંમતિ સધાઈ છે.
ભારત વ્હિસ્કી અને તબીબી ઉપકરણોથી લઈને મશીનરી અને ઘેટાંના માંસ સહિતની બ્રિટિશ પ્રોડક્ટ્સ પરની ટેરિફમાં ઘટાડો કરશે. વ્હિસ્કી અને જિન પરની ટેરિફ 150%થી ઘટાડી 75% કરવામાં આવશે, અને પછી કરારના દસમા વર્ષ સુધીમાં તે ઘટીને 40% થશે, જેનાથી બ્રિટનના સ્કોચ વ્હિસ્કી ઉદ્યોગને ફાયદો થશે અને વિશ્વના સૌથી મોટા વ્હિસ્કી બજારમાં આ બેવરેજ સસ્તું થશે.
ભારત ક્વોટા હેઠળ ઓટોમોટિવ ટેરિફ પણ હાલની 100%થી ઘટાડીને 10% કરશે. અન્ય બ્રિટિશ માલ કે જેના પર ઓછા ટેરિફ લાગશે તેમાં કોસ્મેટિક્સ, એરોસ્પેસ, લેમ્બ, મેડિકલ ડિવાઇસ, સૅલ્મોન, ઇલેક્ટ્રિકલ મશીનરી, સોફ્ટ ડ્રિંક્સ, ચોકલેટ અને બિસ્કિટનો સમાવેશ થાય છે
