બ્રિટને પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઇન્સ પરનો પાંચ વર્ષનો પ્રતિબંધ હટાવ્યો છે, જેનાથી હવે તે યુકેની ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે અરજી કરી શકે છે. પાકિસ્તાન સરકારે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું ખાનગીકરણ કરવાના પ્રયાસો ઝડપી બનાવતા આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. PIA વિમાન દુર્ઘટનામાં 97 લોકોના મોત પછી સરકારે પાયલટના લાયસન્સની યોગ્યતા તપાસવાનું શરૂ કર્યાના થોડા દિવસો પછી 2020માં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ અંગે બ્રિટિશ હાઇ કમિશને તાજેતરમાં જણાવ્યું હતું કે, આ પ્રતિબંધ પાકિસ્તાની સત્તાધિશો દ્વારા સલામતીમાં સુધારો થયા પછી હટાવવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયન દ્વારા આ પ્રતિબંધ હટાવ્યાના થોડા મહિના પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પાકિસ્તાનની અન્ય ઘણી ખાનગી એરલાઇન્સ સ્થાનિક અને પ્રાદેશિક રૂટ પર, મુખ્યત્વે મિડલ-ઇસ્ટના દેશોમાં કાર્યરત છે. પીઆઈએ ઐતિહાસિક રીતે બ્રિટન અને યુરોપિયન યુનિયનના શહેરો માટે લાંબા અંતરની ફ્લાઇટ્સનું સંચાલન કરનારી એકમાત્ર એરલાઇન રહી છે. પીઆઈએ દ્વારા અગાઉ આવા પ્રતિબંધને કારણે 144 મિલિયન ડોલરના વાર્ષિક આવક નુકસાનનો અંદાજ મુકવામાં આવ્યો હતો. આ એરલાઇન લાંબા સમયથી લંડન, માન્ચેસ્ટર અને બર્મિંગહામ સહિતના યુકેના રૂટને સૌથી નફાકારક માને છે. એરલાઇને લંડનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડિંગ સ્લોટની માગણી કરી છે, જે સ્વીકારવામાં આવે તેવી સંભાવના છે.

LEAVE A REPLY