ભારત અને પાકિસ્તાન વચ્ચેના 2019ના સંઘર્ષ દરમિયાન ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડનાર પાકિસ્તાની કમાન્ડર મોઇજ અબ્બાસનું આતંકવાદી હુમલામાં મંગળવારે મોત થયું હતું. દક્ષિણ વજીરિસ્તાનમાં આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(ટીટીપી)એ પાકિસ્તાન આર્મી પર હુમલો કર્યો, જેમાં આર્મીના બે અધિકારીના મોત થયા હતા, તેમાં એક અબ્બાસ પણ હતો.
2019માં બાલાકોટ એર સ્ટ્રાઇકના બીજા દિવસે 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાની એરફોર્સે ભારતીય સરહદમાં પ્રવેશવાની કોશિશ કરી હતી. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ ઓપરેશન ચલાવ્યું હતું. ત્યારે વિંગ કમાન્ડર અભિનંદને મિગ-21 બાઇસન ફાઇટર જેટથી પાકિસ્તાનના એફ-16 ફાઇટર જેટને ધ્વસ્ત કરી દીધું હતું. જોકે અભિનંદનનું વિમાન પણ પાકિસ્તાનની સરહદમાં પડી ગયું હતું. પાકિસ્તાનની આર્મીએ અભિનંદનને કેદ કર્યો હતો. જોકે ભારત સરકારના દબાણ પછી પાકિસ્તાનને અભિનંદનને મુક્ત કરવો પડ્યો હતો.













