ભારતના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કરનારા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને અમેરિકાએ અંતે ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું છે. પાકિસ્તાનસ્થિત લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠનને અમેરિકાએ ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન જાહેર કર્યું છે. ભારતે અમેરિકાના આ પગલાને આવકાર્યું છે અને ત્રાસવાદના સામના માટે બંને દેશોના સહકારને નક્કર મજબૂતી આપનારું ગણાવ્યું છે. યુએસ સેક્રેટરી ઓફસ્ટેટ માર્કો રુબિયો દ્વારા ત્રાસવાદી સંગઠન TRF સામે દંડનાત્મક પગલાની જાહેરાત થઈ હતી.
રુબિયોએ જણાવ્યું હતું કે, પહેલગામ ત્રાસવાદી હુમલાના દોષિતોને સજા આપવાનું ટ્રમ્પે વચન આપ્યું હતું અને તે દિશામાં અમેરિકાએ ત્રાસવાદના મુકાબલા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા TRF દ્વારા પહેલગામમાં 26 નિર્દોષ નાગરિકોની હત્યાની જવાબદારી લેવાઈ હતી. 2008માં મુંબઈ હુમલા બાદ લશ્કર-એ-તૈયબા દ્વારા ભારત પર થયેલો સૌથી ઘાતક ત્રાસવાદી હુમલો હતો. આ ઉપરાંત TRF દ્વારા ભારતીય સલામતી દળો પર સંખ્યાબંધ હુમલાની જવાબદારી પણ લેવામાં આવી છે.
