અનુરાગ બાસુ દિગ્દર્શિત નવી ફિલ્મ-મેટ્રો ઇન દિનો તાજેતરમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ 2007ની લાઈફ ઈન અ મેટ્રોની સીક્વલ છે, જેમાં સારા અલી ખાન, નીના ગુપ્તા, આદિત્ય રોય કપૂર વગેરે મુખ્ય ભૂમિકામાં છે. રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મમાં મૂળ તો જીવનમાં સંબંધોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. સંબંધો દોરી જેવા નાજુક હોય છે. તેને જાળવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. જીવનમાં ઘણી વખત, આ સંબંધોની ખુશી માટે, આપણે પોતાની જાત સાથે સમાધાન કરવું પડે છે, તો જ એ સંબંધ વધુ મજબૂત બને છે, તેવું આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
‘લાઇફ ઇન અ મેટ્રો’માં મુંબઈમાં રહેતા લોકોની અલગ અલગ વાર્તાઓ હતી. પરંતુ હવે, 18 જેટલા વર્ષ પછી, અનુરાગ બાસુના સંબંધો મુંબઈ છોડીને દિલ્હી, કોલકાતા અને બેંગ્લોર સુધી પહોંચી ગયો છે. આ ફિલ્મમાં, અનુરાગ બાસુએ કિશોરાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધી જીવનના દરેક તબક્કે પ્રેમ અને સંબંધનું મહત્વ રજૂ કર્યું છે.
આ ફિલ્મની કથા ચાર દંપતીની છે, જેઓ જુદાજુદા શહેરોમાં રહે છે. જો આ ચાર દંપતીમાં સંબંધો અને પ્રેમ સંબંધિત તેમની સમસ્યાઓ એકદમ કોમન જોવા મળે છે. મુંબઈનું દંપતી મોન્ટી (પંકજ ત્રિપાઠી) અને કાજોલ (કોંકણા સેન શર્મા) બહારથી ખુશ છે, પરંતુ અંગત સંબંધોમાં કડવાશ છે. તેમની વચ્ચે પુત્રીનો પણ એક મુદ્દો પણ છે, જે આજના બાળકો માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે. કોલકાતામાં શિવાની (નીના ગુપ્તા) અને સંજીવ (શાશ્વત ચેટર્જી) છેલ્લા 40 વર્ષથી પરિણીત જીવન જીવી રહ્યા છે. જેમના માટે પરિવાર અને બંને પુત્રીઓ ખુશ રહે તે મહત્વપૂર્ણ છે. પરંતુ શું આ બંને પણ તેમના જીવનમાં ખરેખર ખુશ છે? આ એક મોટો પ્રશ્ન છે. કારણ કે જ્યારે કોલેજ રીયુનિયનની વાત આવે છે, ત્યારે શિવાની તેના ભૂતપૂર્વ સાથી અને જૂના પ્રેમી પરિમલ (અનુપમ ખેર)ને યાદ કરે છે. આ સ્ટોરી પરિણીત જીવનમાં સમાધાન અને પરિવારની ખુશીનું મહત્વ દર્શાવે છે.
કાજોલની બહેન ચુમકી (સારા અલી ખાન) દિલ્હીમાં કામ કરે છે. અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ આનંદ સાથે લગ્ન કરવાની છે. ચુમકીની સમસ્યા એ છે કે તે તેના જીવનમાં ખૂબ જ મૂંઝવણમાં છે. તે સમજી શકતી નથી કે તે જીવનમાં શું ઇચ્છે છે. પછી અચાનક તે બેંગ્લોરના પાર્થ (આદિત્ય રોય કપૂર) ને મળે છે. આ સ્ટોરી આજની પેઢીના પ્રેમ અને સંબંધોની મૂંઝવણ દર્શાવે છે.
ચોથી સ્ટોરી મુંબઈમાં રહેતા એક દંપતી, આકાશ (અલી ફઝલ) અને શ્રુતિ (ફાતિમા સના શેખ)ની છે. બંને એકબીજાથી ખુશ છે. આ પ્રેમાળ દંપતી કારકિર્દીના સપના અને અંગત જીવન વચ્ચે પ્રેમને સંતુલિત કરવા માટે પણ સંઘર્ષ કરી રહ્યું હોય તેવું લાગે છે. શ્રુતિ પ્રેગ્નેન્ટ થાય છે અને બાળક ઇચ્છે છે, પરંતુ આકાશ, જે કોર્પોરેટ નોકરી કરે છે, તેના મનમાં કંઇક અલગ જ વિચાર છે. શું તેમનું લગ્નજીવન ટકી જાય છે? આ સ્ટોરી કારકિર્દી અને સંબંધો વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે.
અન્ય સ્ટોરી શિવાનીના જૂના મિત્ર પરિમલ (અનુપમ ખેર)ની છે. તે કોલકાતામાં તેની વિધવા પુત્રવધૂ સાથે એકલો રહે છે. તે પોતાની પુત્રવધૂની ખુશી પોતાના કરતાં વધુ ઇચ્છે છે અને તેને નવેસરથી જીવન શરૂ કરવા કહે છે. જોકે, પુત્રવધૂ તેના મૃત પતિને આપેલા વચનને પૂર્ણ કરવા માટે પરિમલ સાથે રહે છે. આ સ્ટોરી કહે છે કે સંબંધો કેવી રીતે વ્યક્તિના અંગત સુખ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. આ બધી સ્ટોરી એકબીજા સાથે જોડાયેલી છે અને સંબંધો અને પ્રેમનું મહત્વ જણાવે છે. આગળની સ્ટોરી જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.
