ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ (FIP) દ્વારા અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અને ઇન્ટરનેશનલ સમાચાર એજન્સી-રોયટર્સને અમદાવાદની વિમાન દુર્ઘટનાના સમાચાર મુદ્દે કાયદાકીય નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ દ્વારા, હોનારત અંગેના ‘પાયાવિહોણા’ અને ‘બદનામ કરનારા’ સમાચાર પ્રકાશિત કરવા બદલ માફી માગવા અને તેને પરત ખેંચવાની માગણી કરવામાં આવી હોવાનું સમાચાર એજન્સી ANIના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.
12 જૂનની આ દુર્ઘટનામાં ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા રજૂ કરાયેલા પ્રાથમિક રીપોર્ટ મુજબ, બોઇંગ 787 ડ્રીમલાઇનરની બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોને ટેકઓફ થયા પછી તરત જ બંધ કરવામાં આવી હતી. કોકપીટ વોઇસ રેકોર્ડિંગ મુજબ, એક પાયલટે પૂછ્યું કે ફ્યુઅલ કેમ બંધ કર્યું, તો બીજા પાયલટે જવાબ આપ્યો કે તેણે સ્વીચ બંધ કરી નથી. AAIBના રીપોર્ટમાં સ્વીચો કોણે બંધ કરી અને કોણ દોષિત તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
જોકે, વોલ સ્ટ્રીટ જર્નલે, આ અંગેના સમાચારમાં ‘અમેરિકન અધિકારીઓ દ્વારા આ ઘટનાના પુરાવાના પ્રારંભિક મૂલ્યાંકનથી માહિતગાર’ અજાણ્યા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, કેપ્ટને ઇરાદાપૂર્વક ફ્યુઅલ સ્વીચો બંધ કરી હતી. રોયટર્સના એક સમાચારમાં પણ પાયલટની ભૂલ અંગે ઇશારો વ્યક્ત કરવા કરવામાં આવ્યો હતો.
પાયલટસના આ સંગઠને બંને મીડિયા હાઉસની કાયદાકીય નોટિસ ફટકારીને તેમની પાસેથી સંપૂર્ણ માફી અને સમાચારમાં સુધારો કરવાની માગણી કરી છે. FIPના પ્રેસિડેન્ટ કેપ્ટન સીએસ રંધાવાએ જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક રીપોર્ટમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે, પાયલટની ભૂલને કારણે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ કરવામાં આવી હતી. તેમણે આ રીપોર્ટનો યોગ્ય અભ્યાસ કર્યો નથી, તેથી અમે પગલાં લઈશું.’ એરલાઇન પાયલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPA-I) જેવા અનેક પાયલટ સંગઠનોએ આ મુદ્દે ધીરજ રાખવા અનુરોધ કર્યો છે અને અટકળોના આધારે પ્રકાશિત કરવામાં આવેલા સમાચારો સામે સાવચેત રહેવા જણાવ્યું છે. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે, આવા સમાચાર ભારતની એવિએશન સીસ્ટમમાં લોકોના વિશ્વાસને નુકસાન કરી શકે છે.
ભારતની તપાસ એજન્સી-AAIB દ્વારા ખુદ આ બાબતે ઇન્ટરનેશનલ મીડિયાને કડક શબ્દોમાં ઠપકો આપીને પીડિતોના પરિવારો પ્રત્યે સન્માન જાળવવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ઘટનામાં તપાસ થઇ રહી છે અને અત્યારે કોઇ નિશ્ચિત કારણ આપવું વહેલું કહેવાશે.
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઓ અને મહત્વના ટ્રાન્સપોર્ટ અકસ્માતોની તપાસ કરનાર ફેડરલ એજન્સી- નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ જણાવ્યું હતું કે, અમદાવાદની ઘટનાની તપાસમાં અત્યારે કોઇ નિષ્કર્ષ કાઢવો વહેલો હશે. કારણ કે, આ મુદ્દો મીડિયાના એ રીપોર્ટ્સ પછી બહાર આવ્યો છે, જેમાં બંને એન્જિનની ફ્યુઅલ સ્વીચો બંધ કરવામાં સીનિયર પાયલટની ભૂમિકા અંગે જણાવવામાં આવ્યું હતું.
NTSBનાં ચેરવૂમન જેનિફર હોમેન્ડીએ આ બાબતે જણાવ્યું હતું કે, ‘અમદાવાદની વિમાન હોનારતના તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અધુરા અને અનુમાન આધારિત છે. AAIB થોડા દિવસો અગાઉ જ તેનો પ્રાથમિક રીપોર્ટ જાહેર કર્યો છે. આવી ગંભીર પ્રકારની ઘટનાની તપાસમાં વધુ સમયની જરૂરી હોય છે. અમે ગત ગુરુવારે AAlBની જાહેર અપીલના સંપૂર્ણ સમર્થનમાં છીએ અને તેની તપાસને સમર્થન આપતા રહીશું. આવા તપાસ સંબંધિત પ્રશ્નો AAIBને મોકલવા જોઈએ.’
