ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઇન્ડિયા ક્રેશના પીડિતો માટે એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપવાની શુક્રવારે જાહેરાત કરી હતી. આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયાં હતાં. ટ્રસ્ટનું નામ ‘ધ AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ’ રખાશે. આ ટ્રસ્ટ ટેક્સ ઓથોરિટી સક્ષમ રજિસ્ટ્રેશન સહિતની ઔપચારિકતાઓ પૂરી થયા પછી કાર્યરત બનશે.
ટાટા સન્સે જણાવ્યું હતું કે મુંબઈમાં નોંધાયેલ મેમોરિયલ ટ્રસ્ટ મૃતકોના આશ્રિતો અને નજીકના સંબંધીઓને, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો અને અકસ્માતથી સીધી અથવા આડકતરી રીતે અસરગ્રસ્ત બનેલા લોકોને તાત્કાલિક અને સતત સહાય પૂરી પાડશે. આ ટ્રસ્ટ અકસ્માત પછી પ્રથમ પ્રતિભાવ આપનારાઓ, મેડિકલ અને આપત્તિ રાહત કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને સરકારી કર્મચારીઓ આઘાત અથવા તકલીફને દૂર કરવા માટે સહાય કરશે.
આ ટ્રસ્ટનું સંચાલન પાંચ સભ્યોનું ટ્રસ્ટી મંડળ કરશે. બોર્ડમાં નિયુક્ત કરાયેલા શરૂઆતના બે ટ્રસ્ટીઓમાં ટાટાના ભૂતપૂર્વ કર્મચારી એસ પદ્મનાભન અને ટાટા સન્સના જનરલ કાઉન્સેલ સિદ્ધાર્થ શર્માનો સમાવેશ થાય છે. અન્ય ટ્રસ્ટીઓની નિમણૂક ટૂંક સમયમાં કરાશે.
પ્લેન ક્રેશ પછી તરત ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જાહેરાત કરી હતી કે ટાટા ગ્રુપ મૃતકોના પરિવારોને ₹1 કરોડની સહાય આપશે અને દુર્ઘટનાનો ભોગ બનેલી મેડિકલ કોલેજ હોસ્ટેલના પુનનિર્માણમાં સહાય પૂરી પાડશે. શુક્રવારના નિવેદનમાં આ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્ સાથે મળીને ટ્રસ્ટના પરોપકારી કાર્યો માટે રૂ.500 કરોડના યોગદાનની પ્રતિબદ્ધતા આપે છે. તેમાં પ્રત્યેક મૃતકના પરિવારને રૂ.1 કરોડની સહાયનો સમાવેશ થાય છે.
