અમદાવાદ જિલ્લાના બગોદરા ગામમાં રવિવારે વહેલી સવારે એક દંપતી અને તેમના ત્રણ સગીર બાળકોના મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યા હતા, પોલીસે આને સામૂહિક આત્મહત્યાનો મામલો હોવાની શંકા વ્યક્ત કરી હતી.
અમદાવાદ (ગ્રામીણ)ના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, આ ઘટના બગોદરા ગામમાં બની હતી અને પોલીસને તેની જાણ સવારે 2 વાગ્યાની આસપાસ થઈ હતી. પ્રથમ દ્રષ્ટિએ, એવું લાગે છે કે આ પરિવારે ઝેર પીને આત્મહત્યા કરી છે. આ આત્યંતિક પગલું ભરવા પાછળના કારણ જાણવા માટે વધુ તપાસ ચાલુ કરાઈ છે. આ પરિવારના મોભી ગુજરાન ચલાવવા માટે ઓટો-રિક્ષા ચલાવતાં હતાં.
બગોદરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ વિપુલ વાઘેલા (32), તેમની પત્ની સોનલ (26) અને તેમના બાળકો કરીના (11), મયુર (8) અને રાજકુમારી (5) તરીકે થઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં.
ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ અને તેમજ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ સિવાય અમદાવાદ ગ્રામ્ય SOG, LCB, FSL અને ધંધુકા ASP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
