સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં ‘સુપર સ્વચ્છ લીગ’ એવોર્ડ કેટેગરી હેઠળ ઇન્દોરે સતત આઠમી વખત સૌથી સ્વચ્છ શહેરોમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું, જ્યારે સુરત અને નવી મુંબઈ બીજા અને ત્રીજા ક્રમ આવ્યાં હતાં. વાર્ષિક સર્વેક્ષણમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં અમદાવાદ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ભોપાલ અને લખનૌ તેના પછીના બે સ્થાનો પર રહ્યાં હતાં.
સરકારે ગુરુવાર, 17 જુલાઇએ સ્વચ્છ સર્વેક્ષણના પરિણામો જાહેર કર્યા હતાં. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, 4,500 થી વધુ શહેરોમાં 14 કરોડ લોકોએ રૂબરૂ વાતચીત, સ્વચ્છતા એપ, MyGov અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સર્વેમાં ભાગ લીધો હતો.
‘સુપર સ્વચ્છ લીગ’ કેટેગરી હેઠળ નોઈડા સૌથી સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યું હતું, ત્યારબાદ ત્રણથી 10 લાખ વસ્તી શ્રેણીમાં ચંદીગઢ અને મૈસુરનો ક્રમ આવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક કાર્યક્રમમાં વિજેતાઓને પુરસ્કારો એનાયત કર્યા હતાં. આ પ્રસંગેકેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ સહિત અન્ય લોકો હાજર રહ્યાં હતાં.
ગુજરાતના બે મોટા શહેરોની પસંદગી કરવામાં આવી હતાં. જેમાં અમદાવાદ અને સુરત શહેરનો સમાવેશ થાય છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરાઈ હતી. 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે
