બોલીવૂડમાં રાજકુમાર રાવે તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે. તે ગંભીરથી લઈને કોમેડી સુધીની તમામ ભૂમિકાઓ ભજવી જાણે છે. તેની નવી ફિલ્મ ‘માલિક’ તાજેતરમાં રીલીઝ થઇ હતી. ‘સ્ત્રી 2’, ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ અને ‘ભૂલ ચૂક માફ’ સતત કોમેડી ફિલ્મો પછી, રાજકુમાર રાવ આ ફિલ્મ દ્વારા અચાનક એક ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળે છે.
આ ફિલ્મની કહાની અલ્હાબાદના એક ગેંગસ્ટર બોસ પર આધારિત છે, જેનું પાત્ર રાજકુમાર રાવે ભજવ્યું છે. તે એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેનું સાચું નામ દીપક છે. તે એક સરળ યુવક દીપકમાંથી ગેંગસ્ટર બોસ કેવી રીતે બને છે તે ફિલ્મમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અંશુમન પુષ્કર દીપકના મિત્રની ભૂમિકામાં જોવા મળે છે, જેનો રોલ મહત્વપૂર્ણ છે. ફિલ્મની કહાનીમાં 80-90ના દસકાની વાત છે. દીપકના પિતા એક ખેડૂત છે, જેના પર હુમલો થાય છે અને બજારની વચ્ચે બધાની સામે હુમલાખોરને મારીને દીપક માલિક બની જાય છે. માલિક એક એવો ગેંગસ્ટર છે, જેનાથી માત્ર પોલીસ જ નહીં પરંતુ તમામ રાજનેતાઓ પણ ડરે છે.
માલિક બનતા પહેલા દીપકના લગ્ન વિદ્યા (માનુષી છિલ્લર) સાથે થાય છે. આ ફિલ્મમાં સૌરવ શુક્લાની પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા છે, જેમાં તે એક નેતા શંકર સિંહનું પાત્ર ભજવી રહ્યો છે. દીપકને માલિક બનાવવામાં શંકરનો મોટો હાથ છે. પ્રખ્યાત બંગાળી ફિલ્મ અભિનેતા પ્રસન્નજીત ચેટર્જી પોલીસ અધિકારીની ભૂમિકામાં છે.
સૌરભ સચદેવ ચંદ્રશેખરના રોલમાં જોવા મળે છે, જે માલિક સાથે સ્પર્ધા કરે છે, તે ફિલ્મમાં માલિકનું સ્થાન લેવા ઇચ્છે છે. ખરા અર્થમાં, ફિલ્મનો મુખ્ય ખલનાયક ચંદ્રશેખર છે, જે માલિકના દરેક કાર્યમાં દખલ કરે છે. હવે આગળની સ્ટોરી જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. ફિલ્મમાં હુમા કુરેશીનું એક આઇટમ સોંગ પણ છે. ફિલ્મનું દિગ્દર્શન પુલકિત દ્વારા કરવામાં આવ્યું છે.
