ઉત્તરાખંડના પવિત્ર શહેર હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડમાં રવિવાર, 27 જુલાઇએ ઓછામાં ઓછા સાત લોકોના મોત થયાં હતાં અને ડઝનબંધ ભક્તો ઘાયલ થયાં હતાં. મુખ્ય મંદિર તરફ જતા મંદિરના રસ્તા પર સીડીઓ પર ભાગદોડ મચી હતી. વીજ કરંટ લાગવાની અફવાઓએ ભીડમાં ગભરાટ ફેલાવ્યો હતો અને નાસભાગ મચી ગઈ હતી.
ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે ભાગદોડ પહેલા મનસા દેવી મંદિરમાં મોટી ભીડ એકઠી થઈ હતી.ઘાયલ ભક્તોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં અને અન્ય ઘણા લોકો સારવાર હેઠળ હતા. કુલ ઘાયલોની સંખ્યા 55 હોવાનું અનુમાન છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ પોલીસની રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને સ્થાનિક પોલીસ રાહત અને બચાવ કામગીરી હાધ ધરી હતી.
શ્રાવણ મહિનામાં શહેરના તમામ યાત્રાધામો પર ભક્તોનો ધસારો જોવા મળતો હોય છે. હરિદ્વાર શિવભક્તો, કાવડીયા માટે પણ એક મુખ્ય સ્થળ છે, જેઓ આ સમય દરમિયાન ગંગાનું પાણી લેવા માટે શહેરની મુલાકાત લે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે “ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિર તરફ જતા માર્ગ પર ભાગદોડમાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે, જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ દુર્ઘટનાને ખૂબ જ પીડાદાયક ગણાવીને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. ઉત્તરાખંડ સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
