પ્રોક્ટર
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકન અગ્રણી FMCG કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ((P&G)એ મુંબઈમાં જન્મેલા શૈલેષ જેજુરીકરને તેના આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે નિયુક્ત કર્યા છે. જેજુરીકર 1 જાન્યુઆરી, 2026થી આ બહુરાષ્ટ્રીય કંપનીનું નેતૃત્વ કરશે. હાલમાં ઘણી દિગ્ગજ કંપનીઓની કમાન ભારતીય મૂળના એક્ઝિક્યુટિવો પાસે છે ત્યારે આવા ભારતીય મૂળના સીઇઓની યાદીમાં જેજુરીકરનું પણ નામ જોડાયું છે.

ઓહાયા સ્થિત કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 58 વર્ષના જેજુરીકર સીઇઓ તરીકે જોન મોલરનું સ્થાન લેશે. જેજુરીકર 1989માં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G)માં આસિસ્ટન્ટ બ્રાન્ડ મેનેજર તરીકે જોડાયાં હતાં. તેઓ છેલ્લા છ વર્ષથી પી એન્ડ જીના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે અને વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સ નિર્માતા ઓટિસ એલિવેટર કંપનીના બોર્ડ સભ્ય પણ છે.

પી એન્ડ જી ભારતીય બજારમાં પણ એક અગ્રણી એફએમસીજી કંપની છે, જે એરિયલ, ટાઇડ, વ્હિસ્પર, ઓલે, જીલેટ, અંબીપુર, પેમ્પર્સ, પેન્ટીન, ઓરલ-બી, હેડ એન્ડ શોલ્ડર્સ અને વિક્સ સહિતની બ્રાન્ડ્સ સાથે કાર્યરત છે.
શૈલેષ જેજુરીકર ૫૮ વર્ષના છે. મુંબઈમાં જન્મેલા અને હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં શિક્ષણ મેળવનારા જેજુરીકરે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સ્નાતક થયા છે. તેમણે IIM લખનૌમાંથી MBA કર્યું હતું. રસપ્રદ બાબત એ છે કે તેમના શાળાના દિવસોમાં માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા પણ તેમના વર્ગમાં હતાં.

આ મહિનાની શરૂઆતમાં મુરાદાબાદમાં જન્મેલા સાબીહ ખાનને આઇફોન ઉત્પાદક કંપની એપલના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે બઢતી આપવામાં આવી હતી. સત્ય નડેલા માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ છે, જ્યારે સુંદર પિચાઈ ગુગલ અને તેની હોલ્ડિંગ કંપની આલ્ફાબેટ બંનેના સીઈઓ છે. વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાંની એક એડોબના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શાંતનુ નારાયણ અને આઈબીએમના ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઈઓ અરવિંદ કૃષ્ણા પણ ભારતીય મૂળના છે. આ ઉપરાંત વૈશ્વિક ફાર્મા કંપની નોવાર્ટિસના સીઈઓ વસંત નરસિંહન અને વૈશ્વિક બાયોટેક કંપની વર્ટેક્સના સીઈઓ અને પ્રમુખ રેશ્મા કેવલરામાણી પણ ભારતીય મૂળના છે.

LEAVE A REPLY