ટાટા ગ્રુપની બ્રાન્ડેડ જ્વેલરી કંપની ટાઇટને દુબઈ સ્થિત જ્વેલરી કંપની દમાસમાં 67 ટકા હિસ્સો $283.2 મિલિયન (રૂ.2,438 કરોડ)માં ખરીદવાની સમજૂતી કરી છે. કતારની કંપની મન્નાઈ કોર્પોરેશન પાસેથી ટાઈટન આ હિસ્સો ખરીદશે. દમાસનો બાકીનો 33 ટકા હિસ્સો ખરીદવાનો પણ ટાઈટનને હક રહેશે.
ટાઈટને કહ્યું હતું કે આ એક્વિઝિશન સાથે કંપની ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલના છ દેશો (યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, કુવૈત, બહરીન)માં વિસ્તરણની યોજના આગળ ધપાવી શકશે. દમાસ આ છ જીસીસી દેશોમાં કુલ 146 સ્ટોર્સ ધરાવે છે. તે ઈન-હાઉસ લેબલ અને ઈન્ટરનેશનલ લેબલનું વેચાણ કરે છે.
ટાઈટનના એમડી સી.કે. વેંકટરામને કહ્યું હતું કે દમાસના એક્વિઝિશન સાથે કંપની માત્ર ડાયસ્પોરા (વિદેશમાં વસતા ભારતીયો) પરનું ફોકસ વધુ વ્યાપક બનાવીને અન્ય દેશોના નાગરિકો પર પણ કરશે. જીસીસી માર્કેટમાં દમાસ એક મજબૂત અને પ્રતિષ્ટિત બ્રાન્ડ છે. આ એક્વિઝિશનથી ટાઈટન માટે નવી વૈશ્વિક તક સર્જાઈ છે. એટલું જ નહીં, જીસીસી દેશોમાં જ્વેલરી માર્કેટમાં તેની સ્થિતિ વધારે મજબૂત બની છે. ટેલેન્ટ, રિટેલ નેટવર્ક અને સપ્લાય ચેઈન સહિતના લાભ પણ તેને મળશે.
