સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ અપીલ કોર્ટે ગયા સપ્તાહે બુધવારે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પે બર્થરાઇટ સિટીઝનશિપનો અધિકાર રદ કરતો જે આદેશ આપ્યો હતો તે ગેરબંધારણીય છે. અપીલ કોર્ટે આ કાયદાના રાષ્ટ્ર વ્યાપી અમલ સામેના અપીલ કોર્ટનો સ્ટે યથાવત રાખ્યો હતો. અમેરિકી અપીલ સર્કિટ કોર્ટની ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે આપેલા આ ચુકાદા અગાઉ ન્યૂ હેમ્પશાયરના ફેડરલ જજે પણ આ કાયદાના અમલ સામે મનાઇ ફરમાવી હતી. હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટની જવાની ખુબ નજીક પહોંચી ચૂક્યો છે.
અમેરિકામાં હંગામી સમય માટે આવ્યા હોય કે ગેરકાયદે આવ્યા હોય તેવા લોકોના બાળકનો જન્મ અમેરિકામાં થયો હોય તો તેવા કિસ્સામાં તેવા બાળકને નાગરિકત્વથી વંચિત રાખવા ટ્રમ્પ વહીવટીતંત્રે આદેશ કર્યો હતો. અપીલ કોર્ટે પણ તે કાયદાનો અમલ સ્થગિત કર્યો છે.
અપીલ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે,’ જિલ્લા કોર્ટનું એ તારણ યોગ્ય છે કે અમેરિકામાં જન્મેલી વ્યક્તિને નાગરિકત્વથી વંચિત રાખવી ગેરબંધારણીય છે. અમે તેની સાથે સહમત છીએ.’ અપીલ કોર્ટના આ ચુકાદા સંબંધે વ્હાઇટ હાઉસ કે ન્યાય વિભાગે તાત્કાલિક કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટ નીચલી અદાલતના જજને સમગ્ર દેશને પ્રભાવિત કરતા હોય તેવા આદેશ આપવા મનાઇ ફરમાવી ચૂકી છે.
પરંતુ અપીલ કોર્ટનું કહેવું છે કે આ કેસ રાજ્યોના જૂથે દાખલ કરેલો છે. તેઓ ઇચ્છે છે કે આ કેસમાં સમગ્ર દેશને અસર કરતો ચુકાદો આપવામાં આવે. સમગ્ર દેશને અસરકર્તા હોય તેવો ચુકાદો આપવામાં નહીં આવે તો દેશના અડધા વિસ્તારમાં જ આદેશનો અમલ થશે. અપીલ કોર્ટે જણાવ્યું હતું કે જિલ્લા જજે તેના આદેશનો દેશવ્યાપી અમલ કરવાના આદેશ આપીને સત્તાનો દુરુપયોગ નથી કર્યો.
