
રશિયાના દરિયાકાંઠે 8.8ની તીવ્રતાના ભૂકંપ બાદ હવાઈમાં 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળવાની ધારણા છે. રશિયાના કામચાટકા દ્વીપકલ્પના પૂર્વ કિનારે સમુદ્રની અંદર આવેલા ભૂકંપને કારણે ઉત્તરીય કુરિલ ટાપુઓથી હવાઇયન દ્વીપસમૂહ અને પૂર્વમાં અમેરિકાના પશ્ચિમી દરિયાકાંઠા સુધી સુનામીની ચેતવણી જારી કરાઈ હતી.વોશિંગ્ટન, ઓરેગોન, નોર્થન કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કોની ખાડી, સધર્ન કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી જારી કરાઈ હતી.
ઉત્તરમાં અલાસ્કામાં સુનામાનું પ્રથમ મોજું ત્રાટક્યું હતું. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર (PTWC)એ પુષ્ટિ આપી હતી કે સુનામીના મોજા દરિયાકાંઠાને અસર કરવાનું શરૂ કરી દીધું છે. હવાઈમાં હાલમાં નોંધાયેલ સૌથી ઊંચું મોજું ઓહુના ઉત્તર કિનારા પર આવેલા હેલીવામાં 4 ફૂટ (1.2 મીટર) સુધી પહોંચ્યું હતું. મોજા લગભગ 12 મિનિટના અંતરાલે આવ્યા હતા.
રશિયાના ઓછી વસ્તીવાળા દૂર પૂર્વમાં પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી નજીક દરિયાકાંઠે સ્થાનિક સમય મુજબ આશરે 03:17 વાગ્યે 8.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર આ આધુનિક ઇતિહાસમાં વૈશ્વિક સ્તરે નોંધાયેલા દસ સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક છે.ભૂકંપ પછી શ્રેણીબદ્ધ જોરદાર આફ્ટરશોક્સ આવ્યા હતાં. જેમાં એક 6.9 ની તીવ્રતાનો પણ સમાવેશ થાય છે.
હાલમાં હવાઈ રાજ્ય, અલાસ્કાના એલ્યુશિયન ટાપુઓના કેટલાક ભાગો અને ઉત્તરી કેલિફોર્નિયાના કેટલાંક ભાગો માટે સુનામી ચેતવણીઓ અમલમાં છે. અમેરિકાના પેસિફિકના અન્ય કેટલાક દરિયાકાંઠાના પ્રદેશો સુનામી એલર્ટ હેઠળ છે.
જાપાનમાં લગભગ બે મિલિયન લોકોને દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવાની સલાહ આપવામાં આવી હતી. કેટલીક નગરપાલિકાઓએ ચિબા પ્રીફેક્ચરમાં ઇનેજ બીચ સહિત લોકપ્રિય બીચ વિસ્તારો સાથે સુરક્ષા પરિમિતિ ગોઠવી હતી.
