ભારતે હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સમાં પોતાના ક્રમમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. જાન્યુઆરી 2025 પછી ભારતનું રેન્કિંગ 85થી સીધું 77મા ક્રમે પહોંચ્યું છે. ભારતીય પાસપોર્ટ ધારકોને હવે 59 દેશમાં વિઝા મુક્ત પ્રવેશની સુવિધા મળે છે. સિંગાપુરે હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તેને દુનિયાના 227 પૈકી 193 દેશમાં વિઝા મુક્ત પ્રવેશની સુવિધા પ્રાપ્ત છે.
તો અમેરિકા અને બ્રિટન આ રેન્કીંગ્સમાં નીચે ઉતર્યા છે અને તેના વધુ ને વધુ નાગરિકો હવે પોતાનું વતન છોડી બીજા દેશોમાં જઈ વસવા, અન્ય દેશોનું નાગરિકત્ત્વ મેળવવા તરફ નજર દોડાવી રહ્યા છે.
જુલાઈ 2025માં પ્રસિદ્ધ થયેલા આ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાફિક એસોસિએશનના આંકડાઓ પર આધારિત છે અને તે સિંગાપોરના નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપતા દેશોની યાદી દર્શાવે છે. તેના એશિયાના પડોશી દેશ જાપાન અને દક્ષિણ કોરિયા સંયુક્ત રીતે બીજા સ્થાને છે. આ દેશના પાસપોર્ટ ધારકોને 190 દેશમાં વિઝા મુક્ત પ્રવેશ મળે છે.
નવા રેન્કિંગ અનુસાર ભારતની વિઝા મુક્ત પહોંચમાં બે નવા દેશોનો ઉમેરો થયો છે, જે સુધારાનો શ્રેય રાજદ્વારી પહોંચ અને દ્વિપક્ષી સમજૂતીઓમાં વધારાને અપાય છે.બીજી તરફ, આ અભ્યાસ અહેવાલે એવું પણ તારણ આપ્યું છે કે, બ્રિટન અને અમેરિકાનો પાસપોર્ટ ઈન્ડેક્સમાં ક્રમ ઉતરતો જાય છે અને વાસ્તવમાં તો બ્રિટિશ તેમજ અમેરિકન નાગરિકો હવે પોતાનો દેશ છોડી અન્ય દેશોમાં વસવાટ, નાગરિકત્ત્વ તરફ નજર દોડાવી રહ્યા છે. આ બન્ને દેશો ઈમિગ્રેશન મુદ્દે વધુ કડકાઈભર્યો અભિગમ અપનાવી રહ્યા હોવાના કારણે અન્ય દેશો પણ તેમના પાસપોર્ટ હોલ્ડર્સ પ્રત્યે એવું વલણ દાખવતા થયાના કારણે ઈન્ડેક્સમાં તેમનો ક્રમ નીચો ઉતરી રહ્યો છે.
નવા પાસપોર્ટ રેકિંગમાં સાઉદી અરેબિયાને પણ લાભ થયો છે. તેના વિઝા ફ્રી ડેસ્ટિનેશન્સમાં ચાર ક્રમનો સુધારો થયો છે. રેન્કિંગમાં બ્રિટન અને અમેરિકાના ક્રમ નીચા ગયા છે. બ્રિટન નીચે ગગડીને છઠ્ઠા ક્રમે ગયું છે, બ્રિટિશ પાસપોર્ટ ધારકોને 186 દેશ વિઝા મુક્ત પ્રવેશ આપે છે. અમેરિકા હાલ 182 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ સાથે 10માં નંબરે છે. છેલ્લા એક દાયકામાં બંને દેશના રેન્કિંગમાં સતત ઘટાડો થયો છે. હવે અમેરિકાના પાસપોર્ટ ઉપર રેન્કિંગના મામલે ટોચના 10માંથી બહાર થઈ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
યુરોપિયન સંઘના સાત દેશ ડેન્માર્ક, ફિન્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટાલી અને સ્પેન સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે અને આ દરેક દેશના નાગરિકો પોતાના પાસપોર્ટ પર 189 દેશમાં વિઝા ફ્રી પ્રવાસ કરી શકે છે. ચોથા સ્થાને ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, લક્ઝમ્બર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ અને સ્વીડન છે. આ દેશના પાસપોર્ટ પર 188 દેશનો પ્રવાસ વિઝા વિના જ કરી શકાય છે. ન્યૂઝીલેન્ડ, ગ્રીસ અને સ્વિતઝર્લેન્ડ પણ ટોચના પાંચ ક્રમના દેશમાં સામેલ છે. આ દેશના પાસપોર્ટ પર 187 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ છે. એક તબક્કે – અમેરિકા 2014માં અને બ્રિટન 2015માં પાસપોર્ટ ઈન્ડેક્સમાં પ્રથમ ક્રમે હતા.
હેન્લી એન્ડ પાર્ટનર્સના સીઈઓ ડો. જુર્ગ સ્ટેફનના જણાવ્યા મુજબ, હાલમાં વસવાટ અને નાગરિકત્ત્વ બદલવા ઈચ્છતા લોકોમાં અમેરિકન લોકો વિશ્વમાં પ્રથમ ક્રમે છે, તો બ્રિટિશ લોકો પણ વિશ્વ સ્તરે ટોચના પાંચ ક્રમમાં આવે છે. આ બન્ને દેશોનો અભિગમ હવે વધુ પડતો સ્વકેન્દ્રી બન્યો છે. પાસપોર્ટ રેન્કીંગ્સમાં છેલ્લા એક દાયકા દરમિયાન ટોપ 10 રેન્કીંગ્સમાં ફેરફાર સાથે યુએઈ (સંયુક્ત આરબ અમિરાત) પહોંચેલો એકમાત્ર એકમાત્ર દેશ છે. તે હાલમાં 8મા ક્રમે છે.

LEAVE A REPLY