દ્વિપક્ષીય વેપાર કરારની વાટાઘાટોમાં મડાગાંઠના સંકેતો વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટીની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરતા ભારતની ઊંચા ટેરિફ, રશિયા પાસેથી મોટાભાગના લશ્કરી સાધનો અને ઉર્જાની ખરીદી તેમજ ઘૃણાસ્પદ બિન-નાણાકીય વેપાર અવરોધોનો ઉલ્લેખ કર્યો હતો.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટી ચૂકવશે. ભારત સાથે અમારી વેપાર ખાધ ખૂબ જ વધારે છે.
અમેરિકન પ્રમુખે સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતને “મિત્ર” ગણાવીને જણાવ્યું હતું કે ભારત અમારો મિત્ર છે, પરંતુ વર્ષોથી અમે તેમની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે, કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે અને તેમની પાસે સૌથી વધુ કઠોર અને ઘૃણાસ્પદ બિન-નાણાકીય વેપાર અવરોધો છે. આ ઉપરાંત ભારત હંમેશા રશિયા પાસેથી તેમના મોટાભાગના લશ્કરી સાધનો ખરીદે છે અને ચીન સાથે રશિયાની ઊર્જાનો સૌથી મોટા ખરીદદાર દેશ છે. રશિયામાં યુક્રેનમાં હત્યાકાંડ બંધ કરે તેવું દરેક ઇચ્છે ત્યારે ભારત અને ચીન મોટાપાયે ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યાં છે. આ બધું સારું નથી! તેથી ભારત 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ અને દંડ ચૂકવશે.
સૂચિત દ્વિપક્ષીય વેપાર કરાર માટે આગામી રાઉન્ડની વાટાઘાટો માટે અમેરિકાની એક ટીમ આવતા મહિને ભારતની મુલાકાતે આવવાની છે.ભારત અને અમેરિકાની ટીમોએ ગયા અઠવાડિયે વોશિંગ્ટનમાં કરાર માટે પાંચમા રાઉન્ડની વાટાઘાટો પૂર્ણ કરી હતી. ભારતના મુખ્ય વાટાઘાટકાર અને વાણિજ્ય વિભાગમાં વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ તથા દક્ષિણ અને મધ્ય એશિયા માટે સહાયક યુએસ વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચેના વડપણ હેઠળ મંત્રણા થઈ હતી.
