એર ન્યૂઝીલેન્ડે તેના આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે ભારતીય મૂળના નિખિલ રવિશંકરની નિયુક્તિ કરી છે. તેઓ ઓક્ટોબર 2025થી આ કાર્યભર સંભાળશે. રસપ્રદ બાબત એ છે કે એર ઇન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સન ન્યુઝીલેન્ડના છે.
એર ન્યુઝીલેન્ડે 30 જુલાઈના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “હાલમાં એરલાઇનના ચીફ ડિજિટલ ઓફિસર તરીકે ફરજ બજાવતા નિખિલ 20 ઓક્ટોબર 2025ના રોજ સત્તાવાર રીતે સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે. એર ન્યુઝીલેન્ડમાં નિખિલના લગભગ પાંચ વર્ષમાં તેમણે ઉડ્ડયન ક્ષેત્ર અને એરલાઇનની ઊંડી સમજ મેળવી છે. તેમણે એરલાઇનના ટેકનોલોજી બેકબોન, લોયલ્ટી પ્રોગ્રામ અને ગ્રાહક પ્રસ્તાવમાં પણ મોટી પ્રગતિનું નેતૃત્વ કર્યું છે,”
એરલાઇનમાં જોડાતા પહેલા, રવિશંકર વેક્ટરમાં ચીફ ડિજિટલ ઓફિસર અને એક્સેન્ચરના મેનેજિંગ ડિરેક્ટર હતા. રવિશંકરનો જન્મ ભારતમાં એન્જિનિયરોના પરિવારમાં થયો હતો. શાળાના દિવસોથી જ કોમ્પ્યુટરનો શોખીન હોવાથી, તેમણે ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને કોમર્સમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હતી. અગાઉ તેઓ સ્ટાર એલાયન્સ સાથે પણ સંકળાયેલા છે, જ્યાં તેમણે પાંચ વર્ષ સેવા આપી છે.
કંપનીના બોર્ડે જણાવ્યું હતું કે અમે ક્યારેય કોઈ પણ મોટો નિર્ણયો લેવામાં અચકાતા નથી અને નિખિલ પાસે લીડરશીપ છે જે અમારી કંપની માટે જરૂરી છે. તેમનું વિઝન અમારી એરલાઇનને ગ્લોબલ માર્કેટમાં અગ્રણી સ્થાન અપાવવા માટે પૂરતું હશે.
