ભારતના સુપર કોમ્પ્યુટર ‘પરમ’ના જનક તરીકે ઓળખાતા પદ્મ ભૂષણ ડો. વિજય ભાટકરે ભારતને કોમ્પ્યુટર હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના અભિયાનની સફળતા તરફ ઇંગિત કરતા કહ્યું કે, હવે એ દિવસો બહુ જ નજીક છે કે, ભારતમાંથી વિદેશોમાં પણ કોમ્પ્યુટર હાર્ડવેરની નિકાસ થવા લાગશે.
વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની ઇજનેરી વિદ્યાશાખામાં અભ્યાસ કરનારા ડો. ભાટકર તાજેતરમાં તેમની માતૃસંસ્થાની મુલાકાતે આવ્યા હતા. તેમણે યુનિવર્સિટીમાં ટેકો તરીકે ઓળખાતા કેમ્પસમાં બેસી અભ્યાસકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમને ભારત દ્વારા નિર્મિત સુપર કોમ્પ્યુટરના ફાધર માનવામાં આવે છે. તેઓ હાલમાં નાલંદા યુનિવર્સિટીના કુલપતિ છે. એક ખાસ વાતચિતમાં તેમણે કહ્યું કે, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં સરકારના પ્રયત્નોના કારણે કોમ્પ્યુટર ચિપ્સના પ્લાન્ટ સ્થાપવા લાગ્યા છે. આ બાબત સૂચવે છે કે, હવે માત્ર સોફ્ટવેર નિર્માણના ક્ષેત્રમાં જ નહી પરંતુ, કોમ્પ્યુટર હાર્ડવેરના ક્ષેત્રમાં નિકાસની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે. એક સમયે ભેલ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક લિમિટેડ જેવી થોડી કંપનીઓ જ કામ કરતી હતી. હવે ખાનગી કંપની દ્વારા દ્વારા કોમ્પ્યુટર ચિપ્સના પ્લાન્ટ શરૂ રહ્યા છે. તેમણે કહ્યું કે, આર્ટીફિશ્યલ ઇન્ટેલિન્સ ઉપરાંત ન્યુ એજ કોમ્પ્યુટર, સોફ્ટવેરના નિર્માણમાં ભારતે હજુ લાંબુ ખેડાણ કરવાનું છે. અમેરિકા જેવા સમૃદ્ધ દેશો પણ ભારત કે ભારતીયો દ્વારા નિર્મિત સોફ્ટવેર ઉપર આધાર રાખે છે. કોમ્પ્યુટર સોફ્ટવેરના નિર્માણમાં ભારતીયોનું ખૂબ જ યોગદાન છે. દક્ષિણ ભારત ઉપરાંત ગુજરાતના ઇજનેરો આ દિશામાં મહત્વનું કામ કરી રહ્યા છે.
