કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચે ‘સાંઠગાંઠ’ મારફત ચૂંટણીમાં મોટા ગુનાહિત ફ્રોડના વિસ્ફોટક દાવા કર્યા હતાં. કોંગ્રેસ મુખ્યાલય ખાતે એક પત્રકાર પરિષદ એક પ્રેઝન્ટેશન આપી રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કર્ણાટકની એક વિધાનસભા બેઠક પર આશરે એક લાખ મતોની ચોરી થઈ હતી.
વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં ચોરી થાય છે તેવી કોંગ્રેસને આશંકા હતી અને ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ આ આશંકાને પુષ્ટી આપી હતી. તેમની પાર્ટીએ રીસર્ચ દ્વારા જે કંઈ એકત્રિત કર્યું છે તે ગુનાહિત પુરાવા છે અને ચૂંટણી પંચ દેશભરમાં આવા પુરાવાનો નાશ કરવામાં વ્યસ્ત છે. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીમાંથી બેંગ્લોર સેન્ટ્રલના લોકસભા બેઠકના મહાદેવપુરા વિધાનસભા બેઠકના મતદાર ડેટાનું વિશ્લેષણ કર્યું છે અને તેમાં બહાર આવ્યું છે કે પાંચ પ્રકારની હેરાફેરી દ્વારા આશરે 1 લાખથી વધુ મતોની ચોરી થઈ હતી. આમાંથી 11,965 ડુપ્લિકેટ મતદારો, 40,009 નકલી અને અમાન્ય સરનામાં ધરાવતા મતદારો, 10,452 જથ્થાબંધ મતદારો અથવા એક જ સરનામાં ધરાવતા મતદારો, 4,132 અમાન્ય ફોટા ધરાવતા મતદારો હતાં. આ ઉપરાંત 33,692 મતદારોએ નવા મતદારોના ફોર્મ 6નો દુરુપયોગ કર્યો હતો. તેમ 90 વર્ષથી વધુ ઉંમરના મતદારોનો સમાવેશ થાય છે.
જોકે રાહુલ ગાંધીના દાવાને ફગાવી દઈને ભાજપને તેમની આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીને “બયાન બહાદુર” ગણાવીને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે વૈચારિક રીતે ખોખલો કોંગ્રેસ પક્ષ વ્યવસ્થિત રીતે બંધારણીય સંસ્થાઓ પર હુમલો કરી રહ્યો છે. આ ગણતરીપૂર્વકના કપટ પાછળ ભારતના લોકશાહી અને બંધારણ સામે કોઈ મોટું કાવતરું હોવાની શક્યતા નકારી શકાય નહીં.
ખોટા મતદારનું શપથપત્ર આપો અથવા દેશને ગેરમાર્ગે દોરવાનું બંધ કરોઃ ચૂંટણીપંચ
રાહુલ ગાંધીના દાવા પછી ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ નિયમો મુજબ શપથપત્ર પર હસ્તાક્ષર કરીને મતદાર યાદીમાં ખોટી રીતે સમાવિષ્ટ લોકોની યાદી સબમિટ કરવી જોઈએ અથવા તેમણે ભારતના લોકોને ગેરમાર્ગે દોરવાનું ચૂંટણી અધિકારી સામે પાયાવિહોણા આક્ષેપો કરવાનું બંધ કરવું જોઇએ. કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી આજે સાંજ સુધીમાં રાહુલ ગાંધીના હસ્તાક્ષર સાથેના શપથપત્રની અપેક્ષા રાખી રહ્યા છે, તેથી જરૂરી કાર્યવાહી કરી શકાય.
