ગુજરાતે 2024-25માં ભારતના ટોચના નિકાસકાર રાજ્ય તરીકેનું સ્થાન જાળવી રાખ્યું હતું. ગુજરાતમાંથી કુલ રૂ.9.83 લાખ કરોડની નિકાસ થઈ હતી, જે દેશની કુલ નિકાસના આશરે 26.6 ટકા છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના વિશ્લેષણ મુજબ કે ગયા નાણાકીય વર્ષમાં નજીવો ઘટાડો થયો હોવા છતાં ગુજરાત તમામ રાજ્યોમાં ઘણુ આગળ છે. સૌથી વધુ નિકાસ કરતાં રાજ્યોમાં મહારાષ્ટ્ર રૂ.5,57,271 કરોડની નિકાસ સાથે બીજા ક્રમે રહ્યું હતું. મહારાષ્ટ્ર પછી તમિલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનો ક્રમ આવે છે. ૨૦૨૪-૨૫માં, ગુજરાતે ભારતના ટોચના નિકાસકાર રાજ્ય તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું.
રીપોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાતનું નિકાસ પ્રભુત્વ હજુ પણ કેટલાક ઉચ્ચ પ્રદર્શન કરનારા જિલ્લાઓ આધારિત છે. ઉદાહરણ તરીકે જામનગર રૂ. 3.63 લાખ કરોડ નિકાસ સાથે ટોચના ક્રમે રહ્યું હતું. જામનગરથી મુખ્યત્વે પેટ્રોલિયમ અને રિફાઇનરી પ્રોડક્ટ્સની નિકાસ થાય છે. રાજ્યની કુલ નિકાસમાંથી ત્રીજા ભાગની નિકાસ જામનગરમાંથી થઈ હતી. રાજ્યમાંથી ટોચની પાંચ નિકાસ ચીજવસ્તુઓ પેટ્રોલિયમ ઉત્પાદનો, રત્નો અને ઝવેરાત, ઓર્ગેનિક રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગ ગુડ્સ (મશીનરી) છે.
૨૦૨૪-૨૫માં, ભારતની કુલ રૂ.૩૭.૦૨ લાખ કરોડની નિકાસમાં ઉત્તર પ્રદેશ ૧.૮૬ લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું, જે દેશની કુલ નિકાસના આશરે 5 ટકા થાય છે.
