(Photo by EVARISTO SA/AFP via Getty Images)

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલી જંગી ટેરિફ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ગુરુવારે ફોન પર વાતચીત કરી હતી. બંને દેશોના માલ પર અમેરિકાએ લાદેલી ટેરિફ સહિતના વિવિધ વિષયોની બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. લુલાએ ફોનકોલ દરમિયાન 2026ની શરૂઆતમાં ભારતની સત્તાવાર મુલાકાતની પુષ્ટિ કરી હતી.

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેક્સનો સામનો કરવા માટે બ્રિક્સ દેશોના જૂથ વચ્ચે વાતચીત શરૂ કરશે તેવા લુલાના નિવેદન પછી બંને નેતાઓ વચ્ચે આ ફોનકોલ થયો હતો. બ્રિક્સ દેશમાં ચીન, રશિયા, આફ્રિકા, બ્રાઝિલ અને ભારતનો સમાવેશ થાય છે.

લુલાની ઓફિસે જણાવ્યું હતું કે નેતાઓએ આંતરરાષ્ટ્રીય આર્થિક પરિદ્રશ્ય અને એકપક્ષીય ટેરિફ  અંગે ચર્ચા કરી હતી. ટ્રમ્પની ટેરિફથી હાલમાં બ્રાઝિલ અને ભારત સૌથી વધુ પ્રભાવિત થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ભારત અને બ્રાઝિલ એમ બંને દેશો પર 50 ટકા ટેરિફ લાદેલી છે, જે વિશ્વમાં કોઇપણ દેશ કરતાં સૌથી વધુ છે.  લુલા અને મોદીએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર વાર્ષિક $20 બિલિયન કરવાના લક્ષ્યાંક અંગે ફરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હદતી.

મોદીના કાર્યાલયે જણાવ્યું હતું નરેન્દ્ર મોદીને આજે બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ફોન કર્યો હતો. વડાપ્રધાને ગત મહિને તેમની બ્રાઝિલની મુલાકાતને યાદ કરી હતી. જેમાં બંને નેતાઓ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોકો વચ્ચેના સંબંધોમાં સહયોગને મજબૂત બનાવવા માટે સંમત થયા હતા. આ ચર્ચાઓના આધારે તેમણે ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા.

 

LEAVE A REPLY