અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રુડ તેલની ખરીદી બદલ ભારત પર લાદેલી જંગી ટેરિફ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. બંને નેતાઓએ યુક્રેનની તાજેતરની ગતિવિધિ અને દ્વિપક્ષીય એજન્ડાની પ્રગતિ સહિતના મુદ્દે ચર્ચાવિચારણા કરી હતી. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ગુરુવારે ફોન પર વાતચીત કરી હતી.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાતોને કારણે વૈશ્વિક વેપારમાં સર્જાયેલી અનિશ્ચિતતા અંગે પણ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી.
પીએમ મોદીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “મારા મિત્ર પ્રેસિડન્ટ પુતિન સાથે ખૂબ જ સારી અને વિગતવાર વાતચીત થઈ. યુક્રેન અંગેની તાજેતરની ગતિવિધિની માહિતી આપવા બદલ મેં તેમનો આભાર માન્યો. અમે અમારા દ્વિપક્ષીય એજન્ડાની પ્રગતિની પણ સમીક્ષા કરી, અને ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. હું આ વર્ષના અંતમાં પ્રેસિડન્ટ પુતિનને ભારતમાં આવકારવા માટે આતુર છું.”
ગુરુવારે ક્રેમલિનમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે રશિયન પ્રેસિડન્ટ સાથે મુલાકાત કર્યાના 24 કલાકથી ઓછા સમયમાં બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી.
