અમેરિકાની ધરતી પરથી ભારતને ખુલ્લેઆમ અણુયુદ્ધની ધમકી આપતા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે જણાવ્યું હતું કે ભારત સાથેના ભવિષ્યમાં યુદ્ધમાં તેમના દેશ સામે અસ્તિત્વનો ખતરો ઊભો થશે તો તે “અડધી દુનિયા”ને બરબાદ કરી દેશે. પાકિસ્તાન એક પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર છે. જો પાકિસ્તાન સામે મુશ્કેલી ઊભી થશે તો અડધી દુનિયાને બરબાદ કરીશું.
ફ્લોરિડાના ટેમ્પામાં પાકિસ્તાની ડાયસ્પોરા સંબોધન કરતાં પાકિસ્તાનના ફિલ્ડ માર્શલે સિંધુ નદીના જળમાર્ગો પર ભારત દ્વારા બાંધવામાં આવતા કોઈપણ માળખાને નષ્ટ કરવાની ધમકી પણ આપતાં જણાવ્યું હતું કે તેમના દેશમાં મિસાઇલોની કોઈ કમી નથી. ભારત ડેમ બનાવે તેની રાહ જોઈશું અને જ્યારે તે બંધ બનાવશે, ત્યારે અમે તેને 10 મિસાઈલોથી નષ્ટ કરીશું. સિંધુ નદી ભારતીયોની પારિવારિક મિલકત નથી.
મુનીરે દાવો કર્યો હતો કે એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નવી દિલ્હીના નિર્ણયથી 250 મિલિયન લોકો સામે ભૂખમરાનું જોખમ ઉભું થઈ શકે છે.
મુનીરે દાવો કર્યો હતો કે કાશ્મીર “ભારતનો આંતરિક મામલો નથી પરંતુ એક અપૂર્ણ આંતરરાષ્ટ્રીય એજન્ડા છે. જેમ કાયદ-એ-આઝમે કહ્યું હતું તેમ, કાશ્મીર પાકિસ્તાનની મુખ્ય નસ છે.
ભારત સાથેના ચાર દિવસના સંઘર્ષ પછી બીજી વખતની વોશિંગ્ટનની મુલાકાતે દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અમેરિકાના ટોચના રાજકીય અને લશ્કરી નેતાઓને મળ્યા હતાં. ફ્લોરિડાના ટેમ્પા શહેરમાં મુનીરે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)ના નિવૃત્ત થઈ રહેલા કમાન્ડર જનરલ માઈકલ ઈ. કુરિલાના નિવૃત્તિ સમારોહ અને એડમિરલ બ્રેડ કૂપર દ્વારા કમાન્ડ સંભાળવાના સમારંભમાં હાજરી આપી હતી.તેમણે ચેરમેન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ જનરલ ડેન કેઈન સાથે પણ મુલાકાત કરી હતી અને પરસ્પર વ્યાવસાયિક હિતના મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરી હતી.તેમણે જનરલ કેઈનને પાકિસ્તાનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું આપ્યું હતું.
પાકિસ્તાની ડાયસ્પોરા સાથેના એક ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન, મુનીરે તેમને પાકિસ્તાનના ઉજ્જવળ ભવિષ્યમાં વિશ્વાસ રાખવા અને રોકાણ આકર્ષવામાં સક્રિયપણે યોગદાન આપવા વિનંતી કરી હતી. ડાયસ્પોરાએ પાકિસ્તાનની પ્રગતિ અને વિકાસને ટેકો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
જૂન મહિનામાં, મુનીર પાંચ દિવસની અમેરિકા યાત્રા પર ગયા હતાં, જે દરમિયાન તેમણે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખાનગી ભોજન સમારંભમાં હાજરી આપી હતી. અમેરિકામાં સામાન્ય રીતે મુલાકાતી રાષ્ટ્રના વડાઓ અથવા સરકારના વડાઓને પ્રેસિડેન્ટ ભોજન સમારંભમાં આમંત્રણ આપતા હોય છે, પરંતુ મુનીર આર્મી ચીફ હોવા છતાં તેમણે આવા કાર્યક્રમમાં આમંત્રણ અપાયું હતું.
