પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સરકારી બેન્કો સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સના નિયમોને હળવી બનાવી રહી છે ત્યારે ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક ICICI બેંકે 1 ઓગસ્ટના રોજ અથવા તે પછી ખોલવામાં આવેલા તેના નવા બચત બેંક ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત પાંચ ગણી વધારી સીધી રૂ.50,000 કરી છે. લઘુત્તમ બેલેન્સ ન રાખવામાં આવતો પેનલ્ટી લાગુ પડશે. 31 જુલાઈ સુધી બેન્કના સેવિંગ એકાઉન્ટ માટે લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્સ (MAB)નો નિયમ રૂ.10,000 હતો.

બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર અર્ધ-શહેરી સ્થળો અને ગ્રામીણ સ્થળો માટે મિનિમમ બેલેન્સની જરૂરિયાતને પણ પાંચ ગણી વધારી અનુક્રમે રૂ.25,000 અને રૂ.10,000 કરવામાં આવી છે. જો ખાતાધારકો આટલું મિનિમમ બેલેન્સ રાખવામાં નિષ્ફળ જાય તો ખાતાધારકોએ MABમાં ઘટાડાના 6 ટકા અથવા રૂ.500, જે ઓછું હોય તે દંડ ચુકવવો પડશે. હાલમાં ICICI બેંકના બચત ખાતામાં રહેલી રકમ પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે.

મિનિમમ બેલેન્સનો આ નિયમ 1 ઓગસ્ટ, 2025ના રોજ અથવા તે પછી ખોલવામાં આવેલા નવા ખાતાઓ માટે લાગુ પડશે. જે ગ્રાહકોએ 1 ઓગસ્ટ પહેલા ખાતા ખોલ્યા છે તેમણે હાલમાં જુના નિયમ મુજબ બેલેન્સ રાખવું પડશે.
સેલેરી એકાઉન્ટ હોલ્ડર્સ, પીએમ જનધન ખાતા ધારકો અને બેઝિક બચત બેંક થાપણ ખાતા ધારકોને નવા મિનિમમ

બેલેન્સના નિયમમાં મુક્તિ અપાઈ છે. આ તમામ ખાતામાં ઝીરો બેલેન્સ રાખી શકાય છે.
ઊંચું મિનિમમ બેલેન્સ રાખનારા ખાતાધારકોને મફત NEFT ફંડ ટ્રાન્સફર, દર મહિને ત્રણ મફત કેશ ટ્રાન્ઝેક્શન જેવા કેટલાંક લાભો મળશે. આવા ખાતાધારકોને ત્રણ કેશ ટ્રાન્ઝેક્શન પછીના ટ્રાન્ઝેક્શન માટે રૂ.150નો ચાર્જ ચુકવવો પડશે.

અગાઉ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક અને ઇન્ડિયન બેંક જેવી ઘણી સરકારી બેન્કોએ તમામ બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ જાળવવામાં નિષ્ફળતા બદલની પેનલ્ટી માફ કરી દીધી છે.

LEAVE A REPLY