અમેરિકાની ધરતી પરથી પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી અંગે આકરી પ્રતિક્રિયા આપતા ભારતે જણાવ્યું હતું કે પરમાણુ હુમલાની ધમકી સામે ઝૂકશે નહીં. રાષ્ટ્રની સુરક્ષા અને હિતને ધ્યાનમાં લેતાં પગલાં લેવાનું ચાલુ રાખશે. ઇસ્લામાબાદ પરમાણુ શસ્ત્રો ધરાવતો એક “બેજવાબદાર” દેશ છે. ભારતે મિત્ર દેશની ધરતી પરથી આવી ધમકી મળવા અંગે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ અત્યંત દુઃખદ છે કે, કોઈ ત્રીજા દેશની ધરતી પરથી તમે આ પ્રકારની ટીપ્પણીઓ કરી રહ્યા છો. ભારતે પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે તે પરમાણુ હુમલાની ધમકી સામે ઝૂકશે નહીં. અમે અમારા રાષ્ટ્રની સુરક્ષા અને હિતને ધ્યાનમાં લેતાં પગલાં લેવાનું ચાલુ રાખીશુ. પાકિસ્તાનના આર્મી ચીફ અમેરિકાની ધરતી પર ભારતને પરમાણુ ધમકી આપી રહ્યા છે. પાકિસ્તાની આ પ્રકારની પરમાણુની ધમકી એ જૂની ટેવ છે.
આંતરરાષ્ટ્રીય સમુદાયો આ પ્રકારના નિવેદનો પરથી નિષ્કર્ષ કાઢી શકે છે કે પાકિસ્તાનના પરમાણુ નિયંત્રણની કમાન કેવા હાથમાં છે. આ દુઃખદ છે કે, પાકિસ્તાને કોઈ ત્રીજા દેશની ધરતી પરથી આ પ્રકારના નિવેદનો આપ્યાં છે.
ફ્લોરિડાના ટેમ્પામાં પાકિસ્તાની ડાયસ્પોરા સંબોધન કરતાં ભારતને ખુલ્લેઆમ અણુયુદ્ધની ધમકી આપતા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે જણાવ્યું હતું કે ભારત સાથેના ભવિષ્યમાં યુદ્ધમાં તેમના દેશ સામે અસ્તિત્વનો ખતરો ઊભો થશે તો તે “અડધી દુનિયા”ને બરબાદ કરી દેશે. પાકિસ્તાન એક પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર છે. જો પાકિસ્તાન સામે મુશ્કેલી ઊભી થશે તો અડધી દુનિયાને બરબાદ કરીશું.
