
ઇલોન મસ્કની માલિકીની ઇલેક્ટ્રિકલ કાર કંપની ટેસ્લાએ મુંબઈ પછી 11 ઓગસ્ટે નવી દિલ્હીમાં તેનો બીજો શોરૂમ ખોલ્યો હતો. અગાઉ કંપનીએ 15 જુલાઈએ મુંબઈમાં પ્રથમ શોરૂમ સાથે ભારતના કાર માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. મુંબઈની જેમ નવી દિલ્હી ખાતેના શોરૂમને કંપનીએ એક્સપિરિયન્સ સેન્ટર નામ આપ્યું છે. ટેસ્લા સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં ડિલિવરી શરૂ કરવાની યોજના બનાવી રહી છે અને દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગ્લોરમાં તેના સુપર ચાર્જિંગ નેટવર્કનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે, એમ કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
ભારતમાં કંપનીએ હાલમાં ચીનમાં ઉત્પાદિત ફુલી ઇલેક્ટ્રિક SUV મોડેલ Yનું વેચાણ ચાલુ કર્યું છે ભારતમાં ટેસ્લાના મોડેલ Y રીઅર-વ્હીલ ડ્રાઇવની કિંમત લગભગ રૂ.60 લાખ ($70,000) છે, જ્યારે તેના મોડેલ Y લોંગ-રેન્જ રીઅર-વ્હીલ ડ્રાઇવની કિંમત રૂ.68 લાખ છે. ભારતમાં ફુલી બિલ્ટ અપ કારની આયાત પર 70 ટકાથી વધુ ડ્યૂટી હોવાથી ભારતમાં આ મોડલના ભાવ ઘણા ઊંચા છે. અમેરિકામાં તેના પ્રારંભિક ભાવ $44,990, ચીનમાં 263,500 યુઆન ($36,700) અને જર્મનીમાં 45,970 યુરો ($53,700) છે. કંપનીની ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ (FSD) ક્ષમતાની કાર 600,000 રૂપિયાના વધારાના ખર્ચે ઓફર કરવામાં આવી રહી છે
ત્રીજા ક્વાર્ટરમાં ડિલિવરી સાથે કંપની વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટા કાર માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હિકલ સેગમેન્ટને ટાર્ગેટ કરશે. ભારતમાં હાલમાં કારના કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક કારનું પ્રમાણ માત્ર 4 ટકા છે. તે ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી સ્થાનિક કંપનીઓની જગ્યાએ BMW અને Mercedes-Benz જેવી જર્મન લક્ઝરી જાયન્ટ્સ સાથે સ્પર્ધા કરશે.
વૈશ્વિક ફેક્ટરીઓમાં વધારાની ક્ષમતા અને ઘટતા વેચાણનો સામનો કરીને ટેસ્લાએ જંગી ડ્યુટી અને ટેક્સ હોવા છતાં, ભારતમાં આયાતી વાહનો વેચવાની વ્યૂહરચના અપનાવી છે. ટેસ્લાએ હજુ સુધી ભારતમાં ઉત્પાદન પ્લાન્ટ અથવા એસેમ્બલી સુવિધા માટેની યોજનાઓની પુષ્ટિ કરી નથી.
