સન્માન

નોર્થ વેસ્ટ લંડનના કેન્ટન સ્થિત મહાવીર ફાઉન્ડેશનના અગ્રણી અને જૈન સ્કોલર ડૉ. વિનોદભાઈ કપાશી, ઓબીઈ અને તેમના પત્ની, સુધાબેન કાપશીનું તેમની ત્રણ પુત્રીઓ દ્વારા તાજેતરમાં યોજાયેલી ભાવનાત્મક થેંક્સગીવીંગ પાર્ટીમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમનું જીવન જાહેર સેવા, સાંસ્કૃતિક સંવર્ધન, સાહિત્ય, જૈન ધર્મ અને સમુદાયની એકતા ભાવના માટે સમર્પિત રહ્યું છે.

ભાવનાત્મક સંબોધનમાં ડૉ. કપાશીએ તેમના જીવનકાળ દરમિયાન સમુદાયના સ્નેહના સાક્ષી બનવાની તેમની હૃદયપૂર્વકની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે “હું ફક્ત એ જોવા માંગતો હતો કે જીવતા રહીને લોકો મારી સાથે કેવી રીતે જોડાયેલા છે અને તેઓ મારા વિશે શું વિચારે છે. ફિલ્મી ગીત, “કલ ખેલ મેં હમ હો ના હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા” એ યાદ અપાવે છે કે વ્યક્તિઓ ભલે આગળ વધે, તેમના મૂલ્યો અને યોગદાન પેઢીઓ સુધી ચમકતા રહે છે.’’

અતિશય હૂંફથી પ્રભાવિત થયેલા સુધાબેને જીવનભરના પ્રવાસ અને ભવિષ્યના વચન પર પ્રતિબિંબ પાડતાં કહ્યું હતું કે “હમ લયે હૈ તુફાન સે કિશ્તી નિકાલ કે… હવે આપણે કહી શકીએ છીએ કે યુવા પેઢીના સંગઠનને જોઈને જૈન ધર્મ વધુને વધુ ખીલશે.”

આ પ્રસંગે અગ્રણીઓ નેમુભાઈ ચંદરિયા ઓબીઈ, જયસુખભાઈ મહેતા બીઈએમ, ડૉ. મેહુલ સંઘરાજકા એમબીઈ, રૂમિતભાઈ શાહ અને નિરજભાઈ સુતરિયા સહિતના અગ્રણીઓએ તેમની સરાહના કરી હતી. ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા ભારતથી એક વિડિઓ સંદેશો મોકલવામાં આવ્યો હતો.

વક્તાઓએ ડૉ. કપાશીને “એક વાસ્તવિક વિદ્વાન, એક સાચા સજ્જન અને જૈન ધર્મ અને સનાતન ધર્મના જ્ઞાનકોશ” તરીકે વર્ણવી જૈન મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને જાળવવા માટેના તેમના અથાક કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

દંપતીની પુત્રીઓ – રક્ષિતા, પન્ની અને નેહા, તેમના પાંચ પૌત્રો સાથે, દંપતીની જાહેર સિદ્ધિઓ પાછળની નમ્રતા અને માનવતાને ઉજાગર કરતી કિંમતી યાદો શેર કરી હતી. પરિવારના સભ્યો અલકા શાહ અને પૂર્વી શાહે પણ ભાવનાત્મક સંસ્મરણો રજૂ કર્યા હતા.

કાર્યક્રમમાં હૃદયસ્પર્શી વર્ણન, ફોટોગ્રાફ્સ, થીમ ગીતો, કોલાજ  અને નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY