(Photo by JOHN MACDOUGALL/AFP via Getty Images)
જાણીતી અભિનેત્રી કાજોલ અને ટ્વિંકલ હવે એક નવી ભૂમિકામાં જોવા મળશે. તે બંને એક નવો શો શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ ‘ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ આપવામાં આવ્યું છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રાઇમ વીડિયો દ્વારા આ શો અંગે જાહેરાત કરવામાં આવી છે.
આ શો બાનીજે એશિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે, જેમાં બોલિવૂડના સેલેબ્રિટી ગેસ્ટ તરીકે હાજર રહેશે. આ પોસ્ટમાં કાજોલ અને ટ્વિંકલની એક તસવીર જોવા મળી હતી, જેમાં બંનેના ચહેરા પર આશ્ચર્ય દેખાય છે. તેની સાથે લખાયેલી કૅપ્શનમાં લખાયું છે,“એમને ચા મળી ગઈ છે અને આમાં ગુમાવવાનું ઘણું છે.”
આ એક બોલ્ડ, બ્રિલિયન્ટ અને બિન્દાસ્ત શો હશે, જેમાં લોકો વિવિધ મુદ્દે ખુલીને ચર્ચાઓ કરતાં દેખાશે, આમ પણ બંને અભિનેત્રીની કોઈપણ વાત કટાક્ષ સાથે સ્પષ્ટ રીતે કરવાની આદતથી જ ઘણા ચાહકો શો બાબતે ઉત્સુક છે. આ શોની રિલીઝ ડેટ અને મહેમાનોન યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ દર્શકોની ઇચ્છા છે કે તેઓ પ્રથમ એપિસોડમાં અજય દેવગણ અને અક્ષયકુમારને સકંજામાં લે. કાજોલની છેલ્લે ‘મા’ ફિલ્મ આવી છે, આ માઇથોલોજિકલ હોરર ફિલ્મ 27 જુને રિલીઝ થઈ હતી, જેણે વર્લ્ડવાઇડ રૂ. 50 કરોડની કમાણી કરી હતી.
હવે તેની ‘સરઝમીન’ આવી રહી છે, જેનું દિગ્દર્શન કાયોઝ ઇરાનીએ કર્યું છે. તેમાં સુકુમારન અને ઇબ્રાહીમ અલી ખાન પણ છે. આ ફિલ્મ 25 જુલાઈએ જિઓ હોટસ્ટાર પર રિલીઝ થઇ છે. જ્યારે અક્ષયકુમારની પત્ની અને રાજેશ ખન્ના-ડિમ્પલ કાપડિયાની પુત્રી ટ્વિંકલે 90ના દસકામાં છેલ્લી ફિલ્મ કરી છે. તે હવે લેખિકા બની ગઈ છે અને 2015માં તેનું પ્રથમ પુસ્તક ‘મિસીસ ફની બોન્સ’ પ્રકાશિત થયું હતું. એ પછી તેણે ‘ધ લિજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ’, ‘પજમાઝા આર ફરગિવિંગ’ અને ‘વેલકમ ટુ પેરેડાઈઝ’ જેવા પુસ્તકો લખ્યા છે.

LEAVE A REPLY