લંડનમાં 10 વર્ષની ભારતીય બ્રિટિશર ચેસ ખેલાડી બોધાના સિવાનંદને તાજેતરમાં બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપમાં સૌથી નાની વયે ગ્રાંડ માસ્ટરને હરાવવાનો તેમજ મહિલાઓમાં ઈન્ટરનેશનલ માસ્ટર ટાઈટલ હાંસલ કરવાનો વિશિષ્ટ રેકોર્ડ કરી ભારે ઉત્તેજના જગાવી હતી.
હેરોની રહેવાસી, બોધાનાની ગયા વર્ષે હંગેરીમાં રમાયેલી ચેસ ઓલિમ્પિયાડમાં બ્રિટનની ટીમમાં પસંદગી કરાઈ હતી અને ત્યારે તે ઈંગ્લેન્ડ વતી કોઈપણ રમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે આંતરરાષ્ટ્રીય ટીમમાં પ્રતિનિધિત્વ કરનારી સૌથી નાની વયની મહિલા ખેલાડી બનવાનો રેકોર્ડ પણ તેના નામે થયો હતો.
ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશને તેના એક્સ પરના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ કરી જાહેર કર્યું હતું કે, બોધાનાએ લીવરપુલમાં રમાઈ ગયેલી 2025ની બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપ્સમાં બોધાનાએ 60 વર્ષના ગ્રાંડ માસ્ટર પીટર વેલ્સને હરાવ્યા હતા. 10 વર્ષ, પાંચ મહિના અને 03 દિવસની વયે બોધાનાની આ સિદ્ધિએ અમેરિકાની કારિસા યિપનો 2019નો રેકોર્ડ તોડ્યો હતો. ચેસમાં વિશ્વ સ્તરે ગ્રાંડ માસ્ટર સૌથી ઉંચું ટાઈટલ ગણાય છે અને મહિલા વર્ગમાં તે પછીના ક્રમે આવતું વુમન ઈન્ટરનેશનલ માસ્ટર બીજા ક્રમનું ટાઈટલ છે, જે બોધાનાએ હાંસલ કર્યું છે.
બોધાનાના પિતાએ બીબીસી સાથેની વાતચિતમાં કહ્યું હતું કે, તેમને એ વાતનું આશ્ચર્ય છે કે બોધાનામાં આ રમતની પ્રતિભા કેવી રીતે ખીલી, કારણ કે તેમના પરિવારમાં તો ચેસમાં ખાસ રૂચી ધરાવનારૂં પણ કોઈ નથી. બોધાનાને આશા છે કે, તે ગ્રાંડ માસ્ટર બની શકશે.
