(@narendramodi/X via PTI Photo)

ભારતની બે દિવસની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક પછી સોમવારે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન અને ભારત આ મહિનાના અંત સુધીમાં મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરે તેવી ધારણા છે. જો કરારને અંતિમ સ્વરૂપ મળી જશે તો યુરોપિયન કમિશન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખો જાન્યુઆરીના અંતમાં ભારતની મુલાકાત લેશે અને કરાર પર હસ્તાક્ષર કરશે.

ગાંધીનગરમાં બંને દેશોના વડાઓ વચ્ચેની બેઠક પછી સંરક્ષણ, ખનિજો, આરોગ્ય ક્ષેત્ર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતના ક્ષેત્રોમાં ચાર સમજૂતી પર હસ્તાક્ષ કરાયા હતાં. વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચે થયેલા કરારોને વિશ્વાસનું પ્રતીક જણાવી સંરક્ષણ વ્યાપાર અને રોડમેપ તૈયાર કરવાની જાહેરાત કરી હતી.

મર્ઝે જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં તેઓ આ મુક્ત વેપાર કરાર અસ્તિત્વમાં આવે તે સુનિશ્ચિત કરવા માટે બીજું એક મોટું પગલું ભરશે.

વેપાર કરારની વાટાઘાટો આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા હતી. જોકે, જર્મન સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મર્ઝ અને મોદી વચ્ચે ખૂબ જ સઘન” વાટાઘાટો પછી જાન્યુઆરીના અંતમાં સોદા પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. ગુજરાતમાં એક અલગ કાર્યક્રમમાં બોલતા ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે એક કરાર લગભગ અંતિમ તબક્કામાં છે.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કર્યા વગર મર્ઝે જણાવ્યું હતું કે વિશ્વ હાલમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે સંરક્ષણવાદના નવા યુગનો અનુભવ કરી રહ્યું છે, જે જર્મની અને ભારતને નુકસાન પહોંચાડે છે. જર્મન નેતાએ જણાવ્યું હતું કે રશિયા પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે જર્મની સુરક્ષા મુદ્દાઓ પર વધુ નજીકથી સહયોગ કરવા માંગે છે.

LEAVE A REPLY