ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવાર, 20 ઓગસ્ટે સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર સહિતના છ જિલ્લામાં 13 ઇંચ સુધીના વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ખાસ કરીને જૂનાગઢમાં મેઘતાંડવ જેવી સ્થિતિતનું નિર્માણ થતાં સ્કૂલ, કોલેજો બંધ રાખવામાં આવી હતી. રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતાં. જૂનાગઢના મેંદરડામાં સવારના 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં 12.56 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.
જૂનાગઢના દાત્રાણા ગામે અંદાજે પાણીમાં ફસાયેલા 15 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ખેડૂતો અને સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાઈ હતો. છે. જૂનાગઢ જિલ્લાના જ વંથલી અને કેશોદમાં પણ આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વંથલીમાં પણ છ કલાકના ગાળામાં 9.80 તો કેશોદમાં પણ 9.69 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતાં.
જૂનાગઢના અન્ય તાલુકાઓમાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો હતો, જેમાં વંથલી (249 મીમી / 9.8 ઇંચ), કેશોદ (246 મીમી / 9.69 ઇંચ), માંગરોળ (102 મીમી / 4.02 ઇંચ), માણાવદર (118 મીમી / 4.65 ઇંચ), અને માળીયા હાટીના (34.3 મીમી)નો સમાવેશ થાય છે.. પોરબંદરમાં કુતિયાણા (135 મીમી / 5.31 ઇંચ) અને પોરબંદર શહેરમાં (120 મીમી / 4.72 ઇંચ), જ્યારે ભાવનગરના મહુવામાં 129 મીમી (5.08 ઇંચ) વરસાદ પડ્યો હતો.
ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ બંસલે 20 અને 21 તારીખે કોઈ પણ અકસ્માત ટાળવા માટે નદીઓ, નાળાઓ અથવા પાણીના સ્ત્રોતો પાસે ન જવાની સલાહ આપી હતી. શેત્રુંજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતાં. સૌરાષ્ટ્ર ક્ષેત્રના સૌથી મોટા ડેમના લગભગ 59 દરવાજા આજે બપોરે 12 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. તેનાથી પાલિતાણામાં 5 અને તળાજામાં 12 સહિતના કુલ 17 ગામોને એલર્ટ કરાયા હતાં.
વલસાડ જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં કપરાડામાં ૧૨૩ મીમી (૪.૮૪ ઇંચ), વાપીમાં ૬૭ મીમી (૨.૬૪ ઇંચ), પારડીમાં ૫૦ મીમી (૧.૯૭ ઇંચ) અને ઉમ્બરગાંવમાં ૩૨ મીમી (૧.૨૬ ઇંચ) વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના તલાલામાં ૧૧૬ મીમી (૪.૫૭ ઇંચ), સુત્રાપાડામાં ૮૯ મીમી (૩.૫ ઇંચ), ગીર ગઢડામાં ૬૯ મીમી (૨.૭૨ ઇંચ) અને પાટણ-વેરાવળમાં ૬૨ મીમી (૨.૪૪ ઇંચ) વરસાદ પડ્યો હતો.
સુરત, અમરેલી, રાજકોટ, ડાંગ, નર્મદા અને તાપી સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં 2 મીમીથી 53 મીમી સુધી મધ્યમથી હળવો વરસાદ પડ્યો હતાં. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર અનુસાર, બુધવારે બપોરે 12 વાગ્યા સુધી ગુજરાતભરમાં કુલ 110 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.
